Mumbai,તા.25
ભારતીય ફિલ્મ જગતનાં પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રના અવસાન બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરંતુ તેમની સાથે ઘણી યાદગાર ફિલ્મો કરનારી અભિનેત્રી શર્મિલા ટાગોરે ધર્મેન્દ્રને યાદ કરતાં જે વાતો શેર કરી, તે તેમની વચ્ચેની મિત્રતા, વિશ્વાસ અને સંબંધોની ઊંડાઈને સ્પષ્ટ કરે છે. શર્મિલા ટાગોરે જણાવ્યું કે ધર્મેન્દ્ર માત્ર એક સુપરસ્ટાર નહોતાં, તેઓ હૃદયથી અત્યંત ઉદાર, સાચા અને સૌની રક્ષા કરવા તત્પર રહેનારાં વ્યક્તિ હતાં.
શર્મિલાએ એક જૂનો પ્રસંગ યાદ કરતાં કહ્યું કે શૂટિંગ દરમિયાન ભીડ વધી ગઈ હતી અને તેઓ અસ્વસ્થ અનુભવી રહી હતી. તે સમયે ધર્મેન્દ્રએ તેમને ભીડમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. શર્મિલાના શબ્દોમાં, તે સમય એવો હતો જેમાં સ્ત્રીઓને કામ કરતી વખતે એવી સુરક્ષા મળતી નહોતી જેવી હાલમાં મળે છે, પરંતુ ધર્મેન્દ્ર સાથે હોઈએ તો અમને હંમેશાં સુરક્ષિત અનુભવતાં હતાં.
તે ખૂબ ઓછું બોલતાં, પરંતુ તેમની હાજરી જ વિશ્વાસ આપતી હતી. ધર્મેન્દ્ર અને શર્મિલાની પહેલી મુલાકાત ફિલ્મ ‘અનુપમા’ના સેટ પર થઈ હતી. શર્મિલા ટાગોરે જણાવ્યું કે તે પહેલી નજરે જ ધર્મેન્દ્રની સહજતા અને સચ્ચાઈથી પ્રભાવિત થઈ ગયાં હતાં. તેમણે કહ્યું કે તેઓ ક્યારેય મોટા સ્ટારની જેમ વર્તતા નહોતાં; હંમેશાં સરળ, વિનમ્ર અને ખુલ્લા દિલનાં હતાં. તેમનું સ્મિત અને તેમની નિખાલસતા આજ સુધી તે ભૂલી નથી શક્યાં.
શર્મિલાએ કહ્યું કે ધર્મેન્દ્રનું ઉદાર હૃદય માત્ર તેમનાં નિકટના લોકો માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે ખુલ્લું હતું. તેઓ પરિવારની ખુબ કાળજી રાખતાં, મિત્રોને હંમેશાં મદદ કરવા માટે તૈયાર રહેતાં હતાં, અને કોઈને મદદની જરૂર પડે ત્યારે એક શબ્દ કહ્યા વિના તેઓ આગળ આવીને મદદ કરતાં હતાં. આજનાં સમયમાં લોકો પોતાનાં વિશે જ વિચારતાં હોય છે, પરંતુ ધર્મેન્દ્ર એવાં વ્યક્તિ હતા જે બીજાની મદદને પોતાનો ધર્મ માનતાં હતાં.
શર્મિલાએ યાદ કર્યું કે જ્યારે તેઓ અમેરિકા ગયા ત્યારે પણ ધર્મેન્દ્રને ત્યાંનાં લોકો એટલો જ પ્રેમ અને માન આપતાં હતાં. તેમની સરળતા અને ઉષ્માએ દરેકને પ્રભાવિત કર્યાં. શર્મિલાએ જણાવ્યું કે તેમની લોકપ્રિયતા માત્ર ભારતમાં નહીં, પરંતુ વિશ્વભરમાં હતી.
છેલ્લાં કેટલાક વર્ષોમાં શર્મિલા અને ધર્મેન્દ્રનો સંપર્ક ફોન દ્વારા જ રહેતો. તેઓએ કહ્યું કે ધર્મેન્દ્રની તબિયત વિશે તે ચિંતિત હતી, પરંતુ હજુ પણ આશા હતી કે તેઓ સાજા થઈ જશે. તેઓ ઈચ્છતાં હતા કે ધર્મેન્દ્ર 91 વર્ષનાં થાય અને પોતાનો જન્મદિવસ ઉજવે. શર્મિલા પોતે પણ આગામી મહિને 81 ની થવાની છે, અને બંનેએ વાતોમાં આ આનંદની આશા વ્યક્ત કરી હતી.
ધર્મેન્દ્રના ફિલ્મી જીવનને યાદ કરતાં શર્મિલાએ યુવાન પેઢીને તેમની ફિલ્મો ફરી જોવા અનુરોધ કર્યો. ખાસ કરીને ‘ચુપકે ચુપકે’ જેવી ફિલ્મો આજે પણ હાસ્ય, અભિનયનું શ્રેષ્ઠ મિશ્રણ છે. તેમણે કહ્યું કે એક વખત ધર્મેન્દ્ર સેટ પર મોડા આવ્યાં હતાં અને હૃષિકેશ મુખર્જીએ તેમની રાહ જોયા વગર શૂટિંગ શરૂ કરી દીધું. ત્યારથી ધર્મેન્દ્ર ક્યારેય મોડા આવ્યાં નહીં, જે તેમના શિસ્તબદ્ધ સ્વભાવનો પુરાવો છે.
શર્મિલા ટાગોર અને ધર્મેન્દ્રે સાથે મળીને અનેક યાદગાર ફિલ્મો આપી, જેમાં ‘સત્યકામ’, ‘અનુપમા’, ‘ચુપકે ચુપકે’ અને ‘એક મહેલ હો સપનો કા’ જેવી ફિલ્મો આજે પણ સિનેમા પ્રેમીઓના દિલમાં વસે છે. શર્મિલાનું કહેવું છે કે ધર્મેન્દ્ર ક્યારેય બદલાયાં નહોતાં. તેઓ અન્ય ઘણાં કલાકારોની જેમ ઘણું બધું બોલતાં નહોતાં, પરંતુ જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે ખૂબ સહકારી અને પ્રતિબદ્ધ રહેતાં હતાં.
અંતમાં શર્મિલાએ આંખોમાં આંસુ સાથે કહ્યું કે તેઓ ખુબ ખુશ છે કે તેમને ધર્મેન્દ્ર જેવાં સારા માણસ સાથે કામ કરવાની તક મળી. તેમનાં માટે ધર્મેન્દ્ર માત્ર એક મહાન અભિનેતા જ નહીં, પરંતુ એક એવા સારા માનવી હતાં, જેઓની હાજરી જ લોકોને સુરક્ષા અને સકારાત્મકતા આપતી હતી.
ધર્મેન્દ્રનું અવસાન એક યુગનો અંત છે, પરંતુ તેમની સરળતા, ઉદારતા અને માનવતા એમને હંમેશાં અમર રાખશે. શર્મિલાના શબ્દોમાં વ્યક્ત થયેલી પીડા અને પ્રેમ બતાવે છે કે ધર્મેન્દ્ર માત્ર પડદા પરનાં જ હીરો નહોતાં તે હકીકતમાં પણ એક હીરો હતાં.

