New Delhi,તા.26
ગઈકાલે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અત્યંત ધાર્મિક ઉલ્લાસના વાતાવરણ વચ્ચે અયોધ્યામાં નિર્મિત ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના ધ્વજારોહણની વિધિ સંપન્ન થતા જ શ્રી મોદીના શબ્દોમાં કહીએ તો 500 વર્ષના યજ્ઞની જવાળાઓ શાંત થઈ છે.
ભગવાન શ્રી રામના જન્મ સ્થાને ભવ્ય મંદિર હોય તે હજું બે દશકા પુર્વે સ્વપ્ન હતું તે સંપન્ન થયુ છે તો હવે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થાનનો મુદો ગરમી પકડી શકે. મથુરામાં જયાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ થયો તે સંકુલમાંજ શાહી ઈદગાહ મસ્જીદ આવી છે.
માનવામાં આવે છે કે, મોગલ શાસન સમય દરમ્યાન જેમ અયોધ્યામાં રામજન્મભૂમિ તોડી પાડી ત્યાં બાબરી મસ્જીદનું નિર્માણ કરાયુ હતું તે જ રીતે મથુરામાં પણ મંદિર સંકુલમાં મસ્જીદનું નિર્માણ થયું હતું. આમ આ વિવાદ લાંબા સમયથી ચાલે છે પણ હવે અયોધ્યા એજન્ડા સંપન્ન થતા જ હિન્દુવાદી સંગઠનો મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મુક્ત કરાવવા માટેનો કાર્યક્રમ ઘડી કાઢશે.
જો કે આરએસએસ અને જનસંઘ-ભાજપ જેનું અયોધ્યામાં મંદિર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેના સતાવાર એજન્ડામાં કૃષ્ણ જન્મભૂમિ વિવાદ નથી પણ સંઘના વડા મોહન ભાગવતના એ વિધાન સૂચક છે કે સ્વયંસેવકોને `વ્યક્તિગત’ રીતે કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં ભાગ લેવાથી દુર છે.
હાલમાંજ જાણીતા થયેલા બાબા બાગેશ્વર- ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિલ્હીથી વૃંદાવનની પદયાત્રા કરી તે સૂચક છે. સંઘ-ભાજપ વૈચારિક રીતે કૃષ્ણ જન્મભૂમિ સાથે જોડાયેલા હોવાનું જણાવે છે પણ માનવામાં આવે છે કે 2027માં ઉતરપ્રદેશની ધારાસભા ચૂંટણી આવી રહી છે અને તે પુર્વે આ મુદો ચગાવી શકાય છે.
ભાજપના નેતાઓના મથુરા પ્રવાસ વધતા જશે. હાલમાંજ કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી પણ મથુરા પહોંચ્યા હતા અને અહી જન્મભૂમિ સાથે જોડાયેલા મંદિરોના દર્શન કર્યા હતા. આમ આગામી દિવસોમાં કોઈ નવા સંગઠનના નેજા હેઠળ રામ જન્મભૂમિની માફક કૃષ્ણ જન્મભૂમિ `મુક્ત’ કરાવવા માટે કાનુની અને સામાજીક આંદોલન થાય તેની શકયતા નકારાતી નથી.

