Ahmedabad તા.26
ગુજરાતના કરદાતાઓને આવકવેરા રિફંડ મળવામાં ચાલુ વર્ષે ઢીલ થઈ રહી છે. કરદાતાઓએ મોટી રકમના અને અસામાન્ય કરમુકિતદાવા કર્યા હોવાથી તંત્ર દ્વારા ચકાસણી (સ્ક્રુટીની) વધુ સઘન બનાવાતા રિટર્નમાં વિલંબ હોવાના નિર્દેશ છે.
આવકવેરા વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે નાની રકમનાં રીફંડનું પ્રોસેસીંગ સામાન્ય રીતે જ થઈ રહ્યું છે. પરંતુ તંત્રના ધ્યાને એવા અનેક કિસ્સા આવ્યા છે. જેમાં કરદાતા દ્વારા મોટી રકમની કર છૂટછાટના દાવા રજુ કર્યા છે. અને તેના રીફંડ માંગ્યા છે. રીફંડના આ દાવા તથા કરમુકિતની બાબતો શંકાસ્પદ માલુમ પડતા રીફંડ દાવા માટેની સ્ક્રુટીની વધુ સઘન બનાવવામાં આવી છે.
આવકવેરા વિભાગનાં એક સીનીયર અધિકારીએ જણાવ્યુ હતું કે દેશભરમાં આવકવેરા રીટર્નમાં અયોગ્ય કરમુકિત માગતા અને વધુ ઉંચા રીફંડના દાવાના કિસ્સા વધી ગયા છે અને તેને પગલે જોખમ આધારીત સ્ક્રુટીની મોડેલ અપનાવવામાં આવ્યું છે.
રાજકોટ, અમદાવાદ,સુરત જેવા મોટા શહેરોમાં અનેક કિસ્સામાં ધરખમ મકાનભાડા તબીબી ખર્ચ, કેપીટલ ગેઈન ડીડકશન દર્શાવવામાં આવ્યા છે જે શંકાસ્પદ માલુમ પડતા રી-વેરીફીકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા લાંબી ચાલતી હોય છે. અને તેને કારણે રિફંડમાં વિલંબ છે.
ગુજરાત ચેમ્બરની સીધા કરવેરા કમીટીનાં ચેરમેન જૈનિક વકીલે કહ્યું કે આવકવેરાના મોટા રીફંડ દાવાઓમાં ઘણો વિલંબ હોવાનું ધ્યાનમાં આવ્યુ છે. જુના કાયદા મુજબ રીટર્ન ભરવામાં આવ્યુ હોય તો સ્ક્રુટીની અપેક્ષીત છે. પરંતુ નવા કાયદા હેઠળના દાવામાં પણ ઢીલ ગળે ઉતરતી નથી કારણ કે તેમાં સ્ક્રુટીનીની કોઈ આવશ્યકતા નથી. વેપાર ઉદ્યોગોને કાર્યકારી મૂડીનું સંકટ ઉભુ ન થાય તે માટે રીફંડ પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર છે.
આવકવેરા રીફંડ સામાન્ય રીતે નવેમ્બર સુધીમાં આવી જતા હોય છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ઘણા ઓછા રીફંડ આવ્યા છે. જુદા-જુદા તબકકે ફેર ચકાસણી થતી હોવાના કારણે આ વિલંબ છે.
કરવેરા સલાહકારો પર પણ ભારણ વધી ગયુ છે. તેઓના કહેવા પ્રમાણે રીફંડ આવતા ન હોવાથી કલાયન્ટની સતત ઈન્કવાયરી રહે છે. 40000થી વધુના રિફંડમાં ઢીલ છે. આઈટી ટેલીકોમ, બેંકીંગ તથા સ્ટાર્ટઅપના પગારદાર કર્મચારીઓ તથા વેપાર ઉદ્યોગના રિફંડ અટવાયેલા છે. કલીન રેકોર્ડ ધરાવતા કરદાતાઓ પણ સ્ક્રુટીની હેઠળ આવી ગયા છે. સામાન્ય રીતે 15 દિવસમાં મળી જતા રીફંડ બે-ત્રણ મહિને પણ મળ્યા નથી.

