New Delhi,તા.26
મધુર સંગીત મનને શાંતિ આપે છે. તે તનની પીડા પણ હરતું હોય તેને મ્યુઝીક થેરાપી પણ કહે છે. હવે સર્જરી દરમિયાન પણ સંગીત ઉપયોગી થતું હોવાનું બહાર આવ્યુ છે. સર્જરી દરમિયાન દર્દીને હેડફોન લગાવીને બંસરી, પિયાનો વગેરેનું ધીમું સંગીત સંભળાવી બહોશીની દવાઓના ડોઝમાં 15 ટકા સુધી ઘટાડો લાવી શકાય છે. આ માહિતી એક અધ્યયનમાં બહાર આવી છે.
મૌલાના આઝાદ મેડિકલ કોલેજ (એમએએમસી) અને તેની સાથે સંકળાયેલ લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલના ડોકટર દ્વારા લપ્રાસ્કોપીથી ગોલ બ્લેડરની સર્જરી કરાવનાર 56 દર્દીઓ પર અધ્યયન કરવામાં આવ્યું હતું. 28 દર્દીને હેડફોન પર સંગીત સંભળાવવામાં આવ્યું, જયારે 28ને હેડફોન તો લગાવવામાં આવ્યું પરંતુ સંગીત ન સંભળાવવામાં આવ્યું.
આ અધ્યયનમાં બહાર આવ્યું કે, સંગીત સાંભળનાર દર્દીને તણાવ ઓછો થયો અને બ્લડ પ્રેસર અને હૃદયની ગતિ પણ વધુ નિયંત્રીત રહી. આ અભ્યાસ મ્યુઝીક અને મેડીસીન જર્નલમાં પ્રકાશિત પણ થયું છે.
એમએએમસીના એનેસ્થસિયા વિભાગની ડિરેકટર પ્રો. ડો.સોનિયા વધાવનના માર્ગદર્શનમાં ડો. તન્વી ગોયલે માર્ચ 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન આ સંશોધન કર્યુ. એનેસ્થીસિયાની વરિષ્ઠ વિશેષજ્ઞ અને મ્યુઝીક થેરાપીસ્ટ ડો. ફરાહ હુસેને પણ મહત્વની ભૂમિકા ભજવી.
હેડફોન લગાવી ધૂન સંભળાવાઈઃસર્જરી પહેલા દર્દીઓને બંસરી કે પિયાનોમાંથી કોઈ એક સંગીતની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું હતું. મોટાભાગનાઓએ બંસરીની ધૂન પસંદ કરી હતી. તેમાં રાંગ યમન અને કિરવામીમી સંયુક્ત સંગીતની રેકોર્ડ સંભળાવવામાં આવી હતી. સર્જરી દરમિયાન દર્દીઓને હેડફોન લગાવી 60 ડેસિબલના અવાજમાં સંગીત સંભળાવાયું હતું.
અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે, સંગીત વર્ગના દર્દીઓને બેહોશીની ઓછી દવાની જરૂર પડી હતી. રિકવરી પણ સંગીત સાંભળનાર દર્દીની બહેતર હતી.

