Mumbai,તા.26
ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. 25 નવેમ્બરના રોજ મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ICCએ શેડ્યૂલ જાહેર કર્યું જેમાં પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ અને ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતે પણ કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને 5-5ના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ટીમોમાં એક નામ ઈટાલીનું પણ છે, જે પહેલી વાર ICCની આ મોટી ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. બીજી તરફ ઈટાલીની ટીમ અંગે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. T20 વર્લ્ડ કપ 2026 માટે ICCએ પૂર્વ ભારતીય કેપ્ટન અને 2024માં ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનશીપમાં આ ટ્રોફી જીતાડનાર રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2026 માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન રોહિત શર્માએ ટુર્નામેન્ટ અંગે પૂછવામાં આવેલા ઘણા સવાલોના જવાબ આપ્યા અને તેમણે સ્વીકાર્યું કે ભાગ લેનારી તમામ ટીમો ખૂબ સારી છે અને કોઈને પણ ટીમને હળવાશથી ન લઈ શકાય. રોહિતે ઈટાલીની ટીમ અંગે કહ્યું કે, મને તેમને જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું છે. મને આશા છે કે ભવિષ્યમાં યુરોપ, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાની વધુ ટીમો જોવા મળશે, જે આ રમત માટે મોટી વાત હશે.રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, આશા કરું છું કે, ગત વર્ષે જે રીતે અમારી ટીમે મેદાન પર પોતાનો જાદુ દેખાડ્યો હતો. આ વખતે પણ પ્લેયર કરશે. ICCની ટ્રોફી જીતવી ક્યારેય સરળ નથી હોતી, હું પોતાના 18 વર્ષના કરિયરમાં હજુ સુધી 2 ટ્રોફી જીતવામાં સફળ થઈ શક્યો છું. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ યુએસએ સામે રમશે અને 15 ફેબ્રુઆરીએ તેનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. અત્યાર સુધી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈપણ ટીમ પોતાના ટાઈટલને ડિફેન્ડ કરવામાં સફળ નથી થઈ શકી.

