New Delhi,તા.26
ભારતમાં ગૂગલની લોકપ્રિય વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ Google Meet આજે (26 નવેમ્બર) અચાનક ઠપ થઈ જતાં અનેક યુઝર્સો પરેશાન થયા છે. તેના કારણે કોર્પોરેટ સેક્ટર, ઓનલાઈન ક્લાસિસ અને વર્ક-ફ્રોમ-હોમ કરતા લોકોને ભારે અસર થઈ હતી. પ્લેટફોર્મમાં લોગિન કે મીટિંગ જોઈન કરવામાં અચાનક ખામી સર્જાતા અનેક યુઝર્સો સોશિયલ મીડિયા પર ફરિયાદો કરી રહ્યા છે.ઓનલાઈન આઉટેજ મોનિટરિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટરે કહ્યું કે, સવારે 11:49 વાગ્યા સુધીમાં 981થી વધુ યુઝર્સે ગૂગલ મીટમાં ખામીની ફરિયાદ કરી હતી. કેટલાક યુઝર્સોને મીટિંગ લિંક ખુલવામાં સમસ્યા નડી છે, તો કેટલાકને ‘You are unable to join’ જેવા મેસેજ દેખાઈ રહ્યા છે. કેટલાક રિપોર્ટ મુજબ, સ્ક્રીન શેરિંગ અને માઈક્રોફોન એક્સેસ પણ અચાનક બંધ થઈ ગયા હતા.ગૂગલ મીટ ડાઉન થવાથી કોર્પોરેટ સેક્ટર, અનેક પ્લેટફોર્મ્સ, શાળા-કોલેજોના ઓનલાઈન ક્લાસિસ અને સરકારી મીટિંગ્સ પર અસર પડી છે. મોટી સંખ્યામાં કંપનીઓ દૈનિક મીટિંગ્સ માટે આ પ્લેટફોર્મ પર નિર્ભર હોવાથી કામકાજ પર અસર પડી છે. ઘણા યુઝર્સે જણાવ્યું કે, મહત્ત્વના પ્રેઝન્ટેશન કરવામાં અને ક્લાયન્ટ કોલ્સમાં સમસ્યા આવી હતી.ગૂગલ મીટ બંધ થવાની માહિતી મળતાં જ એક્સ અને ઇન્સ્ટાગ્રામ પર #GoogleMeetDown ટ્રેન્ડ થયું છે, તેમાં યુઝર્સે મીમ્સ અને ફરિયાદો દ્વારા પોતાની મુશ્કેલી વ્યક્ત કરી હતી. હાલ સુધી ગૂગલ તરફથી આ સમસ્યા અંગે સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી. જોકે, ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે કે, આ સર્વર સિસ્ટમમાં ખામી સર્જાઈ હોઈ શકે છે, જે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે

