Pakistan,તા.26
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે પાકિસ્તાનમાં અનેક અફવાઓ ચાલી રહી છે. પાકિસ્તાનમાં એવી અફવાઓએ વેગ પકડ્યો છે કે, જેલમાં તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. તો બીજી તરફ પાકિસ્તાનના રાવલપિંડી જેલમાં કેદ ઈમરાન ખાનની હત્યા અંગેની ચર્ચાઓ ઈસ્લામાબાદથી કાબુલ સુધી તેજ બની છે. ઈમરાન ખાનની ત્રણ બહેનોને 3 અઠવાડિયાથી અદિયાલા જેલમાં ઈમરાન ખાનને મળવા નથી દીધી. ઈમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના IGને ફરિયાદ કરી છે.
કોર્ટની પરવાનગી હોવા છતાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનને તેની ત્રણ બહેનો અને વકીલોને મળવા નથી દેતા. તેમની બહેનો તેમને છેલ્લે મળી હતી તેના ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. બહેનોનો આરોપ છે કે ઈમરાન ખાનનું ઠેકાણું અને તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ ઓફિશિયલ જાણકારી નથી. ઈમરાનની બહેન નૌરીને અદિયાલા જેલની બહાર પ્રદર્શનકારીઓ પર ‘ક્રૂર હુમલા’ અંગે પંજાબ પ્રાંતના IGને ઔપચારિક ફરિયાદ આપી છે.
પીટીઆઈના સમર્થકોનું કહેવું છે કે, જો ઈમરાન ખાન સ્વસ્થ છે તો તેમની બહેનોને કેમ તેમની સાથે મળવા નથી દેતા. જ્યારે ઈમરાન ખાન સાથે મુલાકાતનો આદેશ કોર્ટે આપ્યો છે. એક અહેવાલ પ્રમાણે કોર્ટમાંથી નીકળતી વખતે ઈમરાન ખાનની બહેન અલીમા ખાનને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
પીટીઆઈના ફાઉન્ડર ઈમરાન ખાનની બહેન નૌરીન નિયાઝીએ ગત અઠવાડિયે રાવલપિંડીની આદિયાલા જેલની બહાર પીટીઆઈના પ્રદર્શનકારીઓ પર થયેલા ‘ક્રૂર હુમલા’ વિરુદ્ધ પંજાબ પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ ડૉ. ઉસ્માન અનવરને ઔપચારિક ફરિયાદ આપી છે.
પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં અલીમા અને ઉઝમા અન્ય કાર્યકર્તાઓ સાથે નૌરીનની ચારેય બાજુ એકઠા થયેલા દેખાઈ રહ્યા હતા. પોલીસના ગેરવર્તન બાદ નોરીન ગભરાયેલી લાગી રહી હતી. તેના હાથ ધ્રૂજી રહ્યા હતા. અલીમાએ કહ્યું હતું કે મહિલા પોલીસ તેને રસ્તા પર ઢસેડી રહી હતી. આજે 26 નવેમ્બર 2025ના રોજ સમગ્ર પાકિસ્તાનમાં પીટીઆઈના કાર્યકરો ‘બ્લેક ડે’ મનાવી રહ્યા છે. આ દિવસ 26 નવેમ્બર, 2024ના રોજ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોની પ્રથમ વર્ષગાંઠ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ દિવસે ઈમરાન ખાનની મુક્તિ અને રાજકીય ન્યાયની માગમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. PTIએ દેશભરમાં જિલ્લા સ્તરીય પ્રદર્શનો, રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું છે. PTIના કાર્યકર્તાઓ કથિત સરકારી અન્યાય, રાજકીય દમન અને માનવાધિકાર ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે ઈમરાન ખાને તેમની પત્ની બુશરા બીબી સાથે મળીને આ કેસમાં ભ્રષ્ટાચાર કર્યો હતો.
ગત અઠવાડિયે ઈમરાનની બહેનોએ દિયાલા જેલની બહાર ધામા નાખ્યા હતા, જ્યાં કથિત રીતે પીટીઆઈના ફાઉન્ડર હાલમાં બંધ છે. પીટીઆઈના અન્ય સભ્યોને પણ તેમની સાથે મુલાકાત નહોતી કરવા દીધી. અહેવાલ પ્રમાણે ઈમરાન ખાનની બહેનો અલીમા ખાન, ડૉ. ઉઝમા ખાન અને નૌરીન જેલની બહાર શાંતિથી બેઠા હતા, ત્યારે પોલીસે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું અને તેમની હિંસક રીતે અટકાયત કરી. આ દરમિયાન ઈમરાનની એક બહેનને રસ્તા પર ઢસેડવામાં આવી હતી.

