Ahmedabadતા.૨૬
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિગતો પ્રમાણે આગામી ૫ થી ૭ ડિસેમ્બર દરમિયાન તેઓ અમદાવાદમાં રહેશે અને વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. નોંધનીય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં આ પ્રવાસને રાજકીય રીતે પણ ખુબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
આ પ્રવાસ દરમિયાન અમિત શાહ કુલ ૧૫૦૦ કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ ગુજરાતીઓને આપશે. શહેરનાં અનેક વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સુવિધાઓ અને શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ અમદાવાદમાં અમિત શાહની એક વિશાળ મહાસભા પણ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
સૂત્રોનું માનીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પહેલેથી જ તૈયારી શરૂ કરી દીધી છે. અમિત શાહનો આ ત્રણ દિવસનો પ્રવાસ માત્ર વિકાસકાર્યો પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ આગામી ચૂંટણી માટે પાર્ટીની ગતિશીલ કામગીરીને પણ નવી દિશા આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

