Bhuj,તા.૨૬
ફરી એકવાર કચ્છની સંવેદનશીલ સરહદ પરથી પાકિસ્તાની નાગરિક ઘૂસણખોરી કરતા ઝડપાયો છે. સુરક્ષા જવાનો અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સતર્કતાને કારણે આ પાકિસ્તાની નાગરિકને ઝડપી લેવાયો હતો.
વિવિધ સુરક્ષા એજન્સીઓ આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સતર્ક થઈ ઘઈ છે.સુત્રોના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા શખ્સની જીય્, લોકલ આઇબી સેન્ટ્રલ આઇબી અને બીએસએફના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે સઘન પૂછપરછ કરવામાં આવી હતી.આ ઘૂસણખોરી સરહદ પારથી નાપાક ઈરાદા કે જાસૂસી માટે કરવામાં આવી છે કે કેમ તે સંદર્ભે તપાસ ચાલી રહી છે.
જોકે, પ્રાથમિક તપાસમાં આ નાગરિક પાસેથી કોઈપણ પ્રકારના શંકાસ્પદ દસ્તાવેજો, હથિયાર કે વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. ભૂલથી સરહદ પાર કરીને ભારતીય વિસ્તારમાં આવી ગયો હોવાની શક્યતા હોવાનું એજન્સીઓનું માનવું છે. હાલ કાયદેસરની કાર્યવાહી માટે તેને સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કચ્છના રાપરમાં વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું હતું.. રાપરના કુડા પાસેની રણ સીમામાંથી ઝડપાયેલા પાકિસ્તાની યુગલને બીએસએફએ બાલાસર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. તે સિવાય આશરે દોઢ માસ પહેલા ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાની યુગલ ઝડપાયું હતું. બાલાસર પોલીસે વધુ એક ઝડપાયેલા પાકિસ્તાની યુગલની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રોજ ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાનની યુગલ ગત ૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામે પહોંચી આવ્યા હતા. જોકે જાગૃત નાગરિકો દ્વારા પાકિસ્તાની યુગલને ખડીર પોલીસના હવાલે કરાયા હતા. તેઓ સગીર અને એકબીજાને પ્રેમ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. જેમાં યુગલના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા.
જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તોતો ઉર્ફે તારા રણમલ ચૂડી (ભીલ)ની ઉંમર ૨૦ વર્ષથી વધુ અને મીના ઉર્ફે પુજા કરશન ચૂડીની ઉંમર ૧૮થી ૨૦ વર્ષની અંદરમાં હોવાનું જણાય છે. પાકિસ્તાન છોડીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની યુગલ સામે ૧ મહિનો અને ૧૦ દિવસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

