Palanpur,તા.૨૬
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પોલીસ અંગેનું નિવેદન ઘણું જ ચર્ચામાં છે. તેમણે થરાદમાં દારૂના વેચાણને લઇને પોલીસના પટ્ટા ઉતરાવી દેવાનું નિવેદન આપ્યું હતું. જાહેરમાં આ પ્રકારનું નિવેદન આપતા જ પોલીસકર્મીઓ, અધિકારીઓ અને પોલીસ પરિવારમાં જિજ્ઞેશ મેવાણીના સામે ભારે રોષ વ્યાપેલો છે. આ નિવેદનના વિરોધમાં ગુજરાતભરના પોલીસ પરિવારોમાં રોષ વ્યાપ્યો છે. આ સાથે બનાસકાંઠા, કચ્છ સહિતના અનેક જિલ્લામાં પોલીસ પરિવારોએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ પરિવારે રેલીઓ યોજીને મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં, આ પરિવારોએ જિજ્ઞેશ મેવાણી તેમના આ ઉચ્ચારણો બદલ જાહેરમાં માફી માગે તેવી માંગ પણ કરી છે. આ પરિસ્થિતિમાં ગેનીબેન ઠાકોર પણ મેદાને આવ્યા છે. તેમણે જિગ્નેશ મેવાણીનો બચાવ કર્યો છે.
ગેનીબેને એક કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદન મુદ્દે બચાવ કર્યો હતો. ગેનીબેને કહ્યું કે, જીગ્નેશભાઈનો કહેવાનો અર્થ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહીની માંગ હતી. ડ્રગ્સ, સ્ડ્ઢ, ગુટખા, ગાંજો, દારૂ વેચવા વાળા બેફામ બન્યા છે. મહિલાઓ આવીને એમ કહે કે, અમારા દીકરાઓએ આપઘાત કર્યો છે. વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે પરંતુ તે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે. એક વખત એમડીના રવાડે ચડેલો યુવાન આર્થિક રીતે પહોંચી ન વળે એટલે ગુનાઓના રવાડે ચડે અને વાત આત્મહત્યા સુધી પહોંચે. આવી અનેક ઘટનાઓ સામે આવે ત્યારે તે ચિંતાનો વિષય બને છે. આ પ્રકારના દુષણો અટકે એટલે પોલીસમાં રજૂઆત કરવી પડે છે. ધારાસભ્ય અને વિપક્ષ તરીકે લોકોની રજૂઆત અમારે સરકાર સુધી પહોંચાડવી એ અમારી ફરજ છે.
વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી કોંગ્રેસે જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના એક વિસ્તારમાં દારૂના દૂષણને લઇને જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં થરાદ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી. સાથે સાથે જિજ્ઞેશ મેવાણીએ આ પટ્ટા તમારા છે, અમારા નહીં એટલે તમારા પટ્ટા ઊતરી જશે, તમે કહો તો ૨૪ કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ તે પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા.
ગઈકાલે મંગળવારે હિંમતનગરમાં પોલીસ પરિવાર દ્વારા કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પોલીસ પરિવારની મહિલાએ વિરોધ પ્રદર્શન કરતા જણાવ્યું કે, અમે પોલીસના પરિવારો આજે ભેગા થઈને આ રેલીમાં આવ્યા છીએ. જીગ્નેશભાઈએ પોલીસ વિરુદ્ધ જે શબ્દો વાપર્યા તે ખોટા છે. અમને એ વાતથી વિરોધ છે. અમે એના માટે અહીં આવ્યા છીએ. આ સાથે આક્ષેપ લગાવતા મહિલાએ જણાવ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ અમારી સાથે ધક્કામુક્કી કરી છે. અમારા પતિ રાત દિવસ નોકરી કરે છે. દિવાળી કે કોઈપણ તહેવારમાં અમારી સાથે નથી હોતા. તે પરિવારને પણ સમય નથી આપી શકતા. અમારા છોકરા બીમાર હોય તો પણ તેમની પાસે સમય નથી હોતો. અત્યારે પણ એમની (કોંગ્રેસ) રક્ષા માટે એમની સાથે છે. તો પછી આ લોકોએ આ શબ્દો કેમ બોલવા પડ્યા?

