Gandhinagar,તા.૨૬
ભારતના બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને યાદ કરતાં આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બંધારણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ આજે સવારે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બાબાસાહેબના ચરણોમાં પુષ્પો ચઢાવીને તેમના વિચારો અને બંધારણ નિર્માણમાં આપેલા યોગદાનને વંદન કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર ભાજપ સંગઠનના અગ્રણીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની સાથે શહેર પ્રમુખ, મહામંત્રીઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા બંધારણ જાગૃતિ અભિયાન અંતર્ગત શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીએ બંધારણના મહત્વ અને બાબાસાહેબના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો.
મહત્વનું છે કે, ભારતમાં દર વર્ષે ૨૬ નવેમ્બરના રોજ સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના બંધારણને અપનાવવાની યાદમાં ઉજવણી કરવામાં આવે છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું. ત્યારે ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી બંધારણ અમલમાં આવ્યું હતું.ત્યારે ભારતના બંધારણનું મહત્વ અને તેના નિર્માણમાં યોગદાન આપનારાઓને યાદ કરીને તેમને આજના દિવસે સન્માનિત કરવામાં આવે છે .

