મહિલાએ પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી આચરનાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી
Palanpur તા.૨૬
પાલનપુરના લક્ષ્મીપુરા રોડ ખાતે રહેતી અને પોસ્ટલ આસિસ્ટન્ટની નોકરી કરતી મહિલાને અજાણ્યા મોબાઈલ ધારકે હું બેન્ક ઓફ ઇન્ડિયાનો મેનેજર બોલું છું. કહી વાત કરી મોબાઇલ હેક કરી ખાતામાંથી ૯૯,૯૪૭ રૂપિયા ઉપાડી લીધા હતા. મહિલાએ પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી આચરનાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પાલનપુરના લક્ષ્મીપુરા રોડ બાજુ આવેલ રામજીનગરમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા સીમાબેન રોઝને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને બેન્ક ઓફ ઇન્ડિયાનો મેનેજર બોલું છું તમારી શું મદદ કરી શકું કહ્યું હતું. ત્યારે સીમાબેને જણાવ્યું હતું કે મારો એક ચેક રિટર્ન થયેલો છે. જેથી બેન્ક મેનેજરની ઓળખાણ આપનાર વ્યક્તિએ તમારું નેટ બેન્કિંગ બંધ છે અને તેના લીધે તમારો ચેક રિટર્ન થયેલ છે. તેવી વાત કરી બીજા નંબર ઉપરથી લિન્ક મોકલી હતી. જેનાથી સીમાબેનનો મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. ત્યારબાદ મોબાઈલ રિ-સ્ટાર્ટ કરી ચેક કરતાં સીમાબેનના બેન્ક ઓફ ઇન્ડિયા ડીસા હાઈવે શાખાના એકાઉન્ટમાંથી રૂ. ૯૯,૯૪૭ કપાઈ ગયા હતા. આ બાબતે સીમાબેને અજાણ્યા મોબાઈલ નંબર ધા વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

