શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસાર રૂપી વૃક્ષનું વર્ણન છે.આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૮નું ચિંતન કરીશું..મન સહિત ઇન્દ્રિયોને પોતાની માનવાના કારણે જીવ કેવી રીતે તેમને સાથે લઇને અનેક યોનિઓમાં ઘુમે છે આનું દ્રષ્ટાંત સહિત વર્ણન કરતાં ભગવાન ગીતા(૧૫/૮)માં કહે છે કે
શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્કામીશ્વરઃ
ગૃહિત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત..
વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને લઇ જાય છે એવી જ રીતે દેહ વગેરેનો સ્વામી બનેલો જીવાત્મા પણ જે શરીરને છોડે છે ત્યાંથી આ મન સહિત ઇન્દ્રિયોને લઇને પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય છે. જે રીતે વાયુ અત્તરના પુમડામાંથી ગંધ લઇ જાય છે પરંતુ તે ગંધ સ્થાઇરૂપે વાયુમાં રહેતી નથી કારણ કે વાયુ અને ગંધનો સબંધ નિત્ય નથી એવી જ રીતે ઇન્દ્રિયો મન બુદ્ધિ સ્વભાવ વગેરે સુક્ષ્મ અને કારણ બંન્ને શરીરોને પોતાનામાં માનવાના કારણે જીવાત્મા તેમને સાથે લઇને બીજી યોનિમાં જાય છે.જેવી રીતે વાયુ તત્વતઃ ગંધથી નિર્લિપ્ત છે એવી રીતે જીવાત્મા પણ તત્વતઃ મન ઇન્દ્રિયો શરીર વગેરેથી નિર્લિપ્ત છે પરંતુ આ મન શરીર ઇન્દ્રિયો વગેરેમાં હું અને મારાપણાની માન્યતા હોવા ના કારણે તે જીવાત્મા એમનું આકર્ષણ કરે છે.
જેવી રીતે વાયુ આકાશનું કાર્ય હોવા છતાં પણ પૃથ્વીના અંશ ગંધને સાથે લઇને ઘુમે છે તેવી જ રીતે જીવાત્મા પરમાત્માનો સનાતન અંશ હોવા છતાં પ્રતિક્ષણે બદલાવાવાળાં પ્રકૃતિના કાર્ય શરીરોને સાથે લઇને અલગ અલગ યોનિઓમાં ઘુમે છે.જડ હોવાના કારણે વાયુમાં એ વિવેક નથી કે તે ગંધને ગ્રહણ ના કરે પરંતુ જીવાત્માને તો એ વિવેક અને સામર્થ્ય મળેલું છે કે તે જ્યારે ઇચ્છે ત્યારે શરીર સાથેનો સબંધ દૂર કરી શકે છે.ભગવાને મનુષ્યને એ સ્વતંત્રતા આપી રાખેલ છે કે તે ઇચ્છે તેની સાથે સબંધ જોડી શકે છે અને ઇચ્છે તેની સાથે સબંધ તોડી શકે છે.પોતાની ભૂલ દૂર કરવા માટે ફક્ત પોતાની માન્યતા બદલવાની આવશ્યકતા છે કે પ્રકૃતિના અંશ સ્થૂળ-સુક્ષ્મ અને કારણ શરીરો સાથે જીવાત્માનો કોઇ સબંધ નથી પછી જન્મમરણના બંધનથી સહજ જ મુક્ત છે.
જેને માલિકપણું કે અધિકાર પ્રિય લાગે છે તે પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી કેમકે જે કોઇ વ્યક્તિ વસ્તુ પદ વગેરેનો સ્વામી બને છે તે પોતાના સ્વામીને ભૂલી જાય છે-આ નિયમ છે.ઉદાહરણ રૂપે જોઇએ તો જે સમયે બાળક ફક્ત ર્માં ને પોતાની માનીને તેને જ ચાહે છે તે સમયે તે માતા વિના રહી શકતો નથી પરંતુ તે જ બાળક મોટો થઇને ગૃહસ્થ બની જાય છે અને પોતાને સ્ત્રી-પૂત્ર વગેરેનો સ્વામી માનવા લાગે છે ત્યારે તે જ માતાની પાસે રહેવું તેને ગમતું નથી.આ સ્વામી બનવાનું જ પરીણામ છે ! એવી જ રીતે આ જીવાત્મા પણ શરીર વગેરે જડ પદાર્થોનો સ્વામી બનીને પોતાના વાસ્તવિક સ્વામી પરમાત્માને ભૂલી જાય છે, એમનાથી વિમુખ બની જાય છે ત્યાંસુધી જીવ દુઃખ પામતો રહે છે.
જીવને બે શક્તિઓ મળેલી છેઃપ્રાણશક્તિ..જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને ઇચ્છાશક્તિ જેનાથી ભોગોને મેળવવાની ઇચ્છા કરે છે.પ્રાણશક્તિ હરદમ શ્વાસોચ્છવાસ દ્વારા ક્ષીણ થતી રહે છે. પ્રાણશક્તિનું ખતમ થવું એ જ મૃત્યુ કહેવાય છે.જડનો સંગ કરવાથી કંઇ કરવા અને પામવાની ઇચ્છા ચાલુ રહે છે.પ્રાણશક્તિ રહેતાં ઇચ્છાશક્તિ એટલે કે કંઇક કરવાની અને પામવાની ઇચ્છા દૂર થઇ જાય તો મનુષ્ય જીવનમુક્ત બની જાય છે.પ્રાણશક્તિ નષ્ટ થઇ જાય અને ઇચ્છાઓ ચાલુ રહે તો બીજો જન્મ લેવો જ પડે છે.નવું શરીર મળતાં પ્રાણશક્તિ નવી મળે છે પરંતુ ઇચ્છાશક્તિ પૂર્વજન્મની હતી તે જ રહે છે.
જો શરીર છુટે તે પહેલાં જ આપણે શરીર વગેરેમાંથી મમતાને હટાવી દઇએ તો જીવતેજીવત જ મુક્ત થઇ જઇએ.જે પોતાનું નથી તેને પોતાનું માનવું અને જે પોતાનું છે તેને પોતાનું ના માનવું આ બહુ જ મોટો દોષ છે જેના કારણે પારમાર્થિક માર્ગમાં ઉન્નતિ થતી નથી. કર્ષતિનો અર્થ પોતાના તરફ ખેંચવું અને ગૃહિત્વાનો અર્થ છે પકડવું અને તાદાત્મય કરવું. વાયુનું દ્રષ્ટાંત આપવાનું કારણ એ છે કે જીવ વાયુની જેમ નિર્લિપ્ત રહે છે.વાયુમાં ગંધ હંમેશાં રહેતી નથી આપમેળે ચાલી જાય છે પરંતુ જીવ જ્યાંસુધી મન બુદ્ધિ ઇન્દ્રિયોને છોડતો નથી ત્યાં સુધી તે છુટતાં નથી.
દરેક ભોગથી સ્વાભાવિક ઉપરતિ થાય છે આ બધાનો અનુભવ છે.ભોગોમાં પ્રવૃત્તિ તો કૃત્રિમ થાય છે પરંતુ નિવૃત્તિ સ્વાભાવિક થાય છે.રૂચિ તો જીવ ઉત્પન્ન કરે છે પરંતુ અરૂચિ આપમેળે થાય છે.જેમકે તમાકુ પિનારા ધુમાડો અંદર ખેંચે છે પરંતુ તે બહાર આપોઆપ નીકળે છે.મોઢું બંધ કરશે તો નાક વાટે નીકળશે. ધુમાડો તો રાખવા છતાં અંદર રહેતો નથી પરંતુ માણસની આદત ખરાબ થઇ જાય છે વ્યસન લાગુ પડી જાય છે તેવી જ રીતે ભોગો તો ટકતા નથી પણ આદત બગડી જાય છે.ભોગો તો આપો આપ છુટી જાય છે, તેનાથી અરૂચિ આપોઆપ થઇ જાય છે પરંતુ આદત બગડવાથી જીવ ભોગોને વારંવાર પકડતો રહે છે અને તે સ્વતંત્ર હોવાછતાં પરવશતાનો અનુભવ કરતો રહે છે.
ભોગોમાં આસક્ત થવા છતાં પણ જીવની નિર્લિપ્તતા જતી નથી પરંતુ તેના તરફ તે ધ્યાન અને મહત્વ આપતો નથી.શરીર સાથે સબંધ ન હોવા છતાં પણ એ શરીર સાથે સબંધ સ્વીકારીને સુખ લેતો રહે છે.સબંધ તો અનિત્ય હોય છે પરંતુ સબંધ વિચ્છેદ નિત્ય થાય છે કારણ કે શરીર તો સંસારની જાતિનું જડ અને પરીવર્તનશીલ હોવાથી તે વિજાતિય છે.વિજાતિય વસ્તુ સાથે સબંધ થવો સંભવ નથી.પરમાત્માનો અંશ હોવાથી જીવની પરમાત્મા સાથે સજાતિયતા છે તેથી તેનો સ્વતઃ સબંધ પરમાત્મા સાથે જ છે.જો જીવ સંત મહાપુરૂષોની, ભગવાનની અને શાસ્ત્રોની વાણી ઉપર વિશ્વાસ કરીને પરમાત્મા સાથે સબંધ જોડી દે તો પછી તેને અનુભવ થઇ જશે.
જ્યાંસુધી ભગવાન સાથે સબંધ જોડતો નથી ત્યાં સુધી ભગવાન તેના કોઇપણ સબંધને ટકવા દેતા નથી,તોડતા જ રહે છે.જીવ ગમે તેટલું જોર કરે તે સંસારનો સબંધ સ્થાઇ રાખી શકતો નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

