Hong Kong,તા.27
અહીના એક હાઉસીંગ કોમ્પ્લેકસમાં એક 32 માળની હાઈરાઈઝ બિલ્ડીંગમાં ભયાનક આગ ભભુકી ઉઠતા 44થી વધુ લોકોના મોત થયા છે, જયારે 300થી વધુ લોકો લાપતા બન્યા છે. પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં 44 લોકો માર્યા ગયા છે અને કેટલાક લોકો હજુ પણ ફસાયેલા હોવાનું શહેરની ફાયર સર્વિસે બુધવારે જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નવ લોકોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને ચાર અન્ય લોકોને પછીથી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 15 અન્ય ઘાયલ થયા હતા. લગભગ 700 લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા.
રેકોર્ડ દર્શાવે છે કે આ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આઠ બ્લોક હતા જેમાં આશરે 2,000 એપાર્ટમેન્ટ હતા જેમાં આશરે 4,800 લોકો રહેતા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડો ઝડપથી વાંસના માચડા અને હાઉસિંગ કોમ્પ્લેક્સની બહાર બાંધવામાં આવેલી ક્નસ્ટ્રક્શન નેટમાં ફેલાઈ ગઈ હતી.
ઘટનાસ્થળના વિડિયોમાં ઘણી ઇમારતો એકબીજાની નજીક સળગતી દેખાઈ રહી છે. રાત પડતાં જ અનેક એપાર્ટમેન્ટની બારીઓમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા નીકળતા દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડના કર્મચરી આગ પર કાબૂ લેવાના ભારે પ્રયાસ કરી રહ્યાં છે.
ફાયર સર્વિસ વિભાગે જણાવ્યું હતું કે આગ બપોરે લાગી હતી અને અધિકારીઓએ તેને અંધારા પછી લેવલ 5 એલાર્મ સુધી વધારી દીધી હતી જે સૌથી વધુ ગંભીરતાનું લેવલ છે. મોડી રાત સુધી જ્વાળાઓ ભડકતી રહી. 128 ફાયર ટ્રક અને 57 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. વિભાગના ડિરેક્ટર એન્ડી યાંગે પત્રકારોને જણાવ્યું હતું કે મૃતકોમાં એક ફાયર ફાઇટરનો સમાવેશ થાય છે અને બીજાને ગરમીના થાક માટે સારવાર આપવામાં આવી રહી છે.

