Gondal. તા.18
ગોંડલના મોટી ખીલોરી ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર પકડાતા ચકચાર મચી ગઇ હતી. રૂરલ એસઓજીની ટીમે ખેડૂત નિર્મળ આહિરની ધરપકડ કરી 21 કિલોના 10 છોડ સહિત રૂ.10.65 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીએ ગામના જ દિવંગત સાધુએ ગાંજાનું બી વાવવા માટે આપ્યાની કબૂલાત આપી હતી.
દરોડાની વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા માદક પદાર્થનું વેંચાણ કે સેવન કરતાં શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી રૂરલ એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઈ કે.એમ.ચાવડા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં
ત્યારે સાથેના એએસઆઈ વિપુલભાઈ ગુજરાતી, પરબતભાઈ શામળા, વિરરાજભાઈ ધાધલ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઈ વેગડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગોંડલના મોટી ખીલોરી ગામની સીમમાં આવેલ ખારૂડીવાડી વિસ્તારમાં ખેડૂત નિર્મળભાઈ નાથાભાઈ ડેર પોતાની માલીકીની વાડી (ખેતર) માં ગેરકાયદેસર રીતે માદકપદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરેલ હોય તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે મોટી ખીલોરી ગામની સીમમાં દરોડો પાડતા વાડીમાં એક પતરાવાળો એક શેડ જોવામાં આવેલ જે શેડની બાજુમાં ખાટલા ઉપર એક શખ્સ બેસેલ હોય તેનુ નામ પુછતા પોતાનુ નામ નિર્મળ નાથા ડેર (ઉ.વ.35, ધંધો-ખેતી, રહે, મોટી ખીલોરી ગામ, ગોંડલ) હોવાનું જણાવેલ હતું.
જે બાદ તે શખ્સને સાથે રાખી તપાસ કરતાં વાડીના શેઢે વાવેતર કરેલ ગાંજાની ખેતી પકડાતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કુલ નાના મોટા 21 કિલોના 10 છોડ રૂ.10.65 લાખનો ગાંજો મળી આવતાં ખેડૂત નિર્મળ ડેરની ધરપકડ કરી કુલ રૂ.10.65 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સની વાડીએ ચાર માસ પહેલા મોટી ખીલોરી ગામમાં જ રહેતા એક સાધુ આવ્યા હતા અને તેમની પાસે રહેલ ગાંજાના બી વાવવા માટે આપ્યા હતા. આરોપીએ પોતાની વાડીના શેઢે ગાંજો વાવી તેનો ઉછેર કરતો હતો.
જે વાવેતર તૈયાર કરી વેચવા નીકળે તે પહેલા જ એસઓજીની ટીમે દરોડો પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આરોપીને ગાંજાના બી આપનાર સાધુનું થોડાં સમય પહેલાં જ અવસાન થયું છે.

