Amreli ,તા.૧૨
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની ફોરેસ્ટ રિઝર્વની જમીન ખાનગી કંપનીને આપવાના મુદ્દે રાજકારણ ગરમાગરમ થયુ છે. સ્થાનિકોએ અને પર્યાવરણ પ્રેમીઓએ આ મુદ્દે મોટાપાયા પર વિરોધ કર્યો છે. સ્થાનિકોના વિરોધના પગલે ધારાસભ્ય હીરા સોલંકી સુધી પણ વાત ઉતરતા તે પણ મેદાનમાં ઉતર્યા છે. તેમણે આ મુદ્દે સ્થાનિકોની લાગણીનું પ્રતિબિંબ પાડતા વનમંત્રીને પત્ર લખ્યો છે.
સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને આ આખા વિવાદના સંદર્ભમાં પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયા ફાળવે છે. જંગલમાં માઇનિંગને મંજૂરી આપવાના કારણે સિંહોનું અસ્તિત્વ જોખમાશે. ગ્રામજનો સાથે સિંહોનું ઘર્ષણ વધશે. તેની સાથે તેમણે ગ્રામજનોની વ્યાપક નારાજગીનો ખુલાસો કરવા વિનંતી કરી હતી.
આ મામલે પીસીસીએફ અને સીએફ સહિતના અધિકારીઓના ભેદી મૌન સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ મુદ્દે તેઓની ચુપ્પીને કંપનીને આપવામાં આવેલી મૌન સંમતિ માનવામાં આવી રહી છે. હીરા સોલંકીએ જણાવ્યું હતું કે સ્થાનિકોની લાગણીના વિરોધમાં જઈને કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવે.
તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણવાદીઓએ પણ આનો મોટાપાયા પર વિરોધ કર્યો છે. તેઓનું કહેવું છે કે દરિયાઈ સિંહોની લાક્ષણિકતા સામાન્ય સિંહોથી જુદી છે અને તેને બીજે ફેરવવામાં આવ્યા તો તેમનું અસ્તિત્વ ભયમાં છે. તેથી રાજ્ય સરકારે જે પણ કરે તે લોકલાગણીને ધ્યાનમાં રાખીને અને લાંબા ગાળાનું હિત વિચારીને નક્કી કરે. લોકલાગણીથી વિરોધમાં કોઈ નિર્ણય લેવાય તો તેના વિપરીત પડઘા પડે છે.
આમ હવે અમરેલીમાં માઇનિંગના મુદ્દે સ્થાનિકોના વિરોધ સાથેનું રાજકારણ ગરમાવવા લાગ્યું છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં આ વિવાદ કેવો આકાર લે છે તેના પર નજર છે. હવે ધારાસભ્ય હીરા સોલંકીએ ઝંપલાવ્યુ છે ત્યારે આ વિવાદનો અંત આવે છે કે વધુ વણસે છે તે જોવાનું રહ્યું.

