સામાન્ય પાકોમાં ખેડૂતોને યોગ્ય વળતર મળતુ નથી
જે રીતે દારૂનું વેંચાણ, હથિયાર માટે લાયસન્સ મળે તે રીતે શરતોને આધીન મંજુરી આપવા માંગ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૨ઃ
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળાએ કૃષિમંત્રીને પત્ર પાઠવી સરકાર માન્ય ગાંજો વાવવાની મંજૂરી આપવા માંગ કરી છે. ખેતીમાં સતત વધી રહેલા ખર્ચ અને પરંપરાગત પાકોમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની હાલત દયનીય બની રહી હોવાનું તેમણે પત્રમાં જણાવ્યું છે.
ખેડૂતે લખ્યું છે કે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ખેતીના ઓજારો અને ડીઝલના ભાવોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વધારો થયો છે, જયારે ઘઉં, કપાસ, મગફળી અને કઠોળ જેવા પાકોના પૂરતા પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યા છે.ખેડૂતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો ગુજરાતમાં દારૂ વેચવા માટેપરમિશન મળી શકે અને હથિયાર માટે લાયસન્સ મળી શકે, તો સરકારની દેખરેખ હેઠળ ગાંજાનું વાવેતર કરવાની મંજૂરી ખેડૂતોને કેમ ન મળે ? તેમણે વધુમાં જણાવ્યું કે ગાંજાનું વાવેતર કયા વિભાગ હેઠળ આવે તે અંગે સ્પષ્ટતા પણ થતી નથી.ખેડૂતે સરકારને જણાવેલ છે કે નિયંત્રિત અને કાયદેસર રીતે વાવેતરથી લઈને વેચાણ સુધીની વ્યવસ્થા ઉભી કરી ખેડૂતોને નવી આવકનો માર્ગ આપવામાં આવે. અગાઉ પણ ૧૬ માર્ચે તેમણે આવો જ પત્ર પાઠવ્યો હોવાનું સામે આવ્યું છે.

