Ahmedabad,તા.20
ભારતીય ટી20 ક્રિકેટ ટીમમાં આગામી સમયમાં મોટા ફેરફારો થવાના સંકેતો મળી રહ્યા છે. વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવના કથળતા ફોર્મ અને શુભમન ગિલના વધતા કદને જોતા, પસંદગીકારો કેપ્ટન્સી અંગે મોટો નિર્ણય લઈ શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સૂર્યકુમાર માત્ર 5 રને આઉટ થતા ટીકાઓ તેજ બની છે.
અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવ માટે વર્ષ 2025 બેટિંગની દ્રષ્ટિએ અત્યંત ખરાબ રહ્યું છે. આ આખા વર્ષ દરમિયાન સૂર્યકુમારના બેટથી એક પણ અડધી સદી નીકળી નથી. નિષ્ણાતો માની રહ્યા છે કે સૂર્યકુમાર અત્યારે માત્ર પોતાની ‘કેપ્ટન્સી’ના જોરે ટીમમાં ટકી રહ્યો છે. જો બેટિંગમાં સુધારો નહીં થાય, તો કેપ્ટન્સી જવી લગભગ નિશ્ચિત મનાય છે.
BCCI શનિવારે (20મી ડિસેમ્બર) મળનારી પસંદગી સમિતિની બેઠકમાં સૂર્યકુમાર યાદવને T20 વર્લ્ડ કપ 2026 માટે કેપ્ટન તરીકે સત્તાવાર પુષ્ટિ આપી શકે છે. એક રિપોર્ટ અનુસાર, આ વર્લ્ડ કપ સૂર્યકુમાર માટે કેપ્ટન તરીકેની છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે. વર્લ્ડ કપ બાદ BCCI લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે નવા કેપ્ટનની નિમણૂક કરી શકે છે.
ભારતીય ક્રિકેટમાં અત્યારે શુભમન ગિલનો સૂર્ય તપી રહ્યો હોય તેમ જણાય છે. રોહિત શર્માની નિવૃત્તિ બાદ ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પણ રોહિત શર્માને વન-ડે કેપ્ટન્સીથી દૂર કરી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા શુભમન ગિલને સુકાની પદ સોંપાયું છે.અગાઉ એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા બાદ હાર્દિક પંડ્યા ટી20 કેપ્ટન બનશે. પરંતુ પસંદગીકારો અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની જોડીએ હાર્દિકને બદલે સૂર્યકુમાર પર પસંદગી ઉતારી સૌને ચોંકાવ્યા હતા. હવે જ્યારે સૂર્યકુમારનું ફોર્મ સાથ નથી આપી રહ્યું, ત્યારે પસંદગીકારો ફરી એકવાર ‘યુવા રક્ત’ એટલે કે શુભમન ગિલ તરફ વળી રહ્યા હોય તેમ જણાય છે.

