Bangladesh,તા.૨૦
બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લામાં એક ચોકડી પર ફાંસી આપીને સળગાવી દેવામાં આવેલા હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે શનિવારે આ માહિતી આપી. યુનુસ પ્રશાસને પીડિતની ઓળખ ૨૭ વર્ષીય સનાતન હિન્દુ દીપુ ચંદ્ર દાસ તરીકે કરી છે. એકસ પર એક પોસ્ટમાં, યુનુસે કહ્યું, “મૈમનસિંઘના બાલુકામાં સનાતન હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસ (૨૭) ની માર મારીને હત્યા કરવાના કેસમાં રેપિડ એક્શન બટાલિયનએ સાત લોકોને શંકાસ્પદ તરીકે ધરપકડ કરી છે.”
નિવેદન અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાં મોહમ્મદ લિમોન સરકાર (૧૯), મોહમ્મદ તારેક હુસૈન (૧૯), મોહમ્મદ માણિક મિયા (૨૦), ઇર્શાદ અલી (૩૯), નિજુમ ઉદ્દીન (૨૦), આલમગીર હુસૈન (૩૮) અને મોહમ્મદ મિરાજ હુસૈન અકોન (૪૬)નો સમાવેશ થાય છે. યુનુસે સમજાવ્યું કે આ ધરપકડો વિસ્તારમાં ઇછમ્ એકમો દ્વારા સંકલિત કાર્યવાહી બાદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “ઇછમ્-૧૪ એ વિવિધ સ્થળોએ કાર્યવાહી હાથ ધરી હતી અને ઉપરોક્ત શંકાસ્પદોની ધરપકડ કરી હતી.”
ગયા વર્ષના જુલાઈમાં વિદ્યાર્થી-નેતૃત્વ હેઠળના બળવાના અગ્રણી નેતા અને ઇન્કિલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી વ્યાપક અશાંતિ વચ્ચે મૈમનસિંહ લિંચિંગ થયું. ૧૨ ડિસેમ્બરના રોજ ઢાકામાં માસ્ક પહેરેલા બંદૂકધારીઓ દ્વારા માથામાં ગોળી મારવામાં આવ્યા બાદ હાદીનું ગુરુવારે સિંગાપોરની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું જ્યાં તેઓ સારવાર હેઠળ હતા.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે મૈમનસિંહમાં એક હિન્દુ વ્યક્તિની કથિત લિંચિંગની સખત નિંદા કરી અને સંયમ રાખવાની અપીલનો પુનરોચ્ચાર કર્યો. યુનુસ વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, સરકારે કહ્યું, “અમે મૈમનસિંહમાં બનેલી ઘટનાની સખત નિંદા કરીએ છીએ જેમાં એક હિન્દુ વ્યક્તિને માર મારીને મારી નાખવામાં આવ્યો હતો. નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. આ ક્રૂર ગુનામાં સામેલ કોઈપણને બક્ષવામાં આવશે નહીં.”
હાદીને શહીદ ગણાવતા, સરકારે લોકોને હિંસા, ઉશ્કેરણી અને નફરતનો ત્યાગ કરવા વિનંતી કરી. સરકારે મુખ્ય રાષ્ટ્રીય દૈનિકો – ધ ડેઇલી સ્ટાર અને પ્રથમ આલો – ના પત્રકારો સાથે પણ એકતા વ્યક્ત કરી હતી, જેમની ઓફિસોમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી, જોકે સ્ટાફ માંડ માંડ બચી ગયો હતો.

