New Delhi,તા.24
આપણે મોબાઈલ પર એક ક્લિક કરીએ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) સેકન્ડોમાં આપણા સવાલોના જવાબ આપી દે છે. AI આપણી જિંદગીનો એટલો સામાન્ય ભાગ બની ગયું છે કે તેની પાછળની પ્રક્રિયા વિશે આપણે ક્યારેય વિચારતા નથી. પરંતુ શું તમે જાણો છો કે જે AIને આપણે ‘સ્માર્ટ’ માની રહ્યા છીએ, તે વાસ્તવમાં પૃથ્વીનું પાણી ગટગટાવી રહ્યું છે?
તાજેતરના સંશોધનોમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે AI સિસ્ટમ્સનો વાર્ષિક પાણીનો વપરાશ હવે વિશ્વભરમાં વપરાતા બોટલબંધ પાણી(Bottled Water) કરતા પણ વધી શકે છે.રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2025 સુધીમાં AI સિસ્ટમ્સનો વાર્ષિક પાણીનો વપરાશ 300થી 700 અબજ લિટર સુધી પહોંચી શકે છે, જે આખી દુનિયામાં પીવા માટે વપરાતા કુલ બોટલબંધ પાણી કરતા પણ વધારે છે. જોકે, AIની આ તરસ માત્ર પાણી પૂરતી મર્યાદિત નથી; આ ડેટા સેન્ટર્સને ચલાવવા માટે વપરાતી અઢળક વીજળીને કારણે કાર્બન ઉત્સર્જનમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે AI દ્વારા પેદા થતી કાર્બન ફૂટપ્રિન્ટ આવનારા સમયમાં મોટા શહેરોના કુલ પ્રદૂષણની બરાબરી કરશે. સૌથી ગંભીર બાબત એ છે કે ટેક કંપનીઓ હજુ પણ આ સંસાધનોના વપરાશ અંગે પારદર્શિતા જાળવતી નથી અને સચોટ આંકડા છુપાવી રહી છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે, આ આધુનિક ટેકનોલોજીની કિંમત આપણે આવનારી પેઢીના પાણીના ભોગે ચૂકવી રહ્યા છીએ.
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે સોફ્ટવેર જેવી ડિજિટલ વસ્તુને વળી પાણીની શું જરૂર? પરંતુ વાસ્તવિકતા એ છે કે AI કોઈ હવામાં ચાલતો જાદુ નથી; તેની પાછળ વિશાળ ડેટા સેન્ટર્સનું નેટવર્ક છે જ્યાં હજારો સર્વર્સ દિવસ-રાત સતત કાર્યરત હોય છે. જ્યારે આ સર્વર્સ વિશાળ માત્રામાં ડેટા પ્રોસેસ કરે છે, ત્યારે તેઓ અતિશય ગરમી પેદા કરે છે. આ મશીનોને બળી જતાં અટકાવવા અને તેમનું તાપમાન જાળવી રાખવા માટે કૂલિંગ સિસ્ટમમાં લાખો લિટર પાણીનો ઉપયોગ ‘કૂલિંગ એજન્ટ’ તરીકે કરવામાં આવે છે. આ એક એવો અદ્રશ્ય વપરાશ છે જેના વિશે સામાન્ય યુઝરને ક્યારેય ખ્યાલ પણ આવતો નથી કે તેના દ્વારા કરવામાં આવેલા એક નાનકડા સર્ચ પાછળ પૃથ્વીના કેટલાય લિટર કિંમતી પાણીનો ભોગ લેવાઈ રહ્યો છે.આજે દુનિયા પહેલેથી જ જળ સંકટનો સામનો કરી રહી છે. ગ્રાઉન્ડ વોટર લેવલ નીચે જઈ રહ્યું છે ત્યારે AIનો આ વધતો વપરાશ ચિંતાનો વિષય છે. જોકે, AIને રોકવું શક્ય નથી, પરંતુ હવે સમય આવી ગયો છે કે ટેક કંપનીઓ જવાબદારી સ્વીકારે અને પાણી-વીજળીના વપરાશના વિકલ્પો શોધે.

