New Delhi, તા.1
નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે જ મોંઘવારી બોંબ ફુટવા સાથે આમઆદમીને ઝટકો આપવામાં આવ્યો હોય તેમ કોમર્શીયલ રાંધણગેસ સિલીન્ડરમાં 111 રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જો કે, સબસીડીયુક્ત 14 કિલો રાંધણગેસની કિંમતમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.
કેન્દ્ર સરકારની પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા દર મહિનાના પ્રારંભે રાંધણગેસની કિંમતોમાં બદલાવ કરવામાં આવ્યો હોય છે. છેલ્લા મહિનાઓમાં મામુલી રાહત અપાયા બાદ આજે નવા મહિને આકરો ઝાટકો આપવામાં આવ્યો હતો. અને 19 કિલો કોમર્શીયલ રાંધણગેસની કિંમતમાં એક જ ઝાટકે 111 રૂપિયા વધારી દેવાયા હતા.
આ ભાવવધારા સાથે દિલ્હીમાં દિલ્હીમાં રાંધણગેસ સીલીન્ડરની કિંમત 1691.50 થઇ છે. કોલકતામાં 1795, મુંબઇમાં 1642.50 તથા ચેન્નઇમાં 1849.50ના સ્તરે પહોંચી છે. 19 કિલોવાળા સિલીન્ડરનો ઉપયોગ મોટાભાગે હોટલ-રેસ્ટોરાં-ઢાબામાં કોમર્સીયલ ધોરણે થતો હોય છે, રાહતની વાત એ છે કે ઘરવપરાશના રાંધણગેસની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
કોમર્સીયલ રાંધણગેસ મોંધો કરવામાં આવતા હોટલ-રેસ્ટોરાંમાં ખર્ચ બોજ વધી જવાનું અને તેની અસરે ગ્રાહકો પર ભારણ આવવાની શંકા છે. રાંધણગેસ નીતિમાં બદલાવ થવાની અટકળો વ્યકત થઇ જ રહી છે અને સબસીડી દુર થવાની શંકા છે તેવા સમયે કોમર્સીયલ રાંધણગેસ મોંધો કરાયાનું સૂચક છે.
CNG-PNG-વિમાની ઈંધણ સસ્તુ
રાંધણગેસમાં ભાવવધારા વચ્ચે સીએનજી, પીએનજી તથા વિમાની ઈંધણમાં રાહત આપવામાં આવી છે. પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટાડયો છે જેને પગલે જુદા-જુદા રાજયોમાં સીએનજી-પીએનજીના ભાવમાં 2થી3 રૂપિયાનો ઘટાડો થશે.
આ જ રીતે એવિએશન મ્યુઅલ (વિમાની ઈંધણ)માં 7000 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે એટલે વિમાની ભાડામાં રાહત મળી શકે છે. એરલાઈન્સનો ઈંધણ ઓપરેશ્નલ ખર્ચ ઘટશે એટલે હવાઈ મુસાફરોને ભાડામાં ઘટાડાનો લાભ મળી શકે છે. દિલ્હીમાં વિમાની ઈંધણનો ભાવ પ્રતિ કિલોમીટર 99676થી ઘટીને 92323 થયો છે.

