Amreli,તા.૨૬
ગુજરાતમાં સિંહણ દ્વારા ૫ વર્ષના બાળકને ઉઠાવી જઈને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના બગસરામાં આવેલા હામાપુર ગામે સિંહણ પાણીની કુંડી પાસે રમતા બાળકને ઉઠાવી ગઈ હતી અને તેને ફાડી દીધો હતો. બાળકનું મૃત્યુ થતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બીજી તરફ માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
વિગતો મુજબ અમરેલીના બગસરામાં આવેલા હામાપુર ગામના સીમ વિસ્તારમાં નંદલાલભાઈ ડોબરીયાની વાડી વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરના બાળકને સિંહણ ઉપાડી ગઈ હતી. ૫ વર્ષને કનક વાડીમાં પાણીની કુંડી પાસે રમતો હતો. આ દરમિયાન સિંહણ તેને ઉપાડીને તુવેરના પાકમાં જતી રહી હતી. સિંહણ બાળકના શરીરના વિવિધ અંગો ખાઈ ગઈ હતી. જેથી ગંભીર ઈજાના કારણે બાળકનું મૃત્યુ થઈ ગયું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતા જ અમરેલી વનવિભાગના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા અને માનવભક્ષી સિંહણને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. તો બીજી તરફ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે સ્થાનિક કમલેશ ડોબરીયા એ જણાવ્યું હતું કે, હામાપુર નંદલાલભાઈ ડોબરીયાની વાડીએ છોકરાને સિંહ ઉપાડી ગયા હતા. અમે છોડાવ્યો. સિંહ પેટનો અને હાથનો ભાગ ખાઈ ગયો, અને એક આંખ કાઢી નાખ્યો છે. ઘટના ૩ વાગ્યાની છે.
નોંધનીય છે કે, આ વર્ષે જ જૂન મહિનામાં અમરેલીમાં સિંહના હુમલામાં ૬ વર્ષના બાળકનું મોત થયું હતું. જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું થોરડી ગામ પરપ્રાંતિય ખેડૂત હીરાલાલ અજનેરા પોતાના પત્ની અને ચાર બાળકો સાથે ખેત મજૂરી કરી રહ્યા હતા, આવા સમયે જમવા આવેલા પિતા સાથે ચાર બાળકો ભોજન લઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાછળથી આવેલા પુખ્ત નર સિંહે ગુલસીંગ નામના બાળકને ઉઠાવી જતા તેનું કમાટી ભર્યું મોત થયું હતું.

