Mumbai, તા.૨૪
બોલિવૂડની લોકપ્રિય રોમેન્ટિક કોમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘તનુ વેડ્સ મનુ’ના નવા ભાગને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વખતે ફિલ્મમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. અભિનેત્રી કંગના રનૌત અને આર. માધવનની જોડીથી લોકપ્રિય બનેલી આ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મમાં નવા કલાકારો જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન મિતાક્ષરા કુમાર કરશે. અહેવાલો અનુસાર નવી ફિલ્મમાં અગાઉના બંને ભાગનાં મુખ્ય પાત્રોની વાર્તાને આગળ વધારવાને બદલે નવા પાત્રો અને નવી વાર્તા રજૂ કરવામાં આવશે.મીડિયા અહેવાલો અનુસાર, નિર્માતાઓ ફિલ્મની મૂળ ઓળખ ગણાતી કોમેડી, બેફિકર અંદાજ અને સંબંધોમાં જોવા મળતી ગૂંચવણોને જાળવી રાખવા માગે છે. જોકે, આ વખતે વાર્તાના કેન્દ્રમાં નવા પાત્રો હશે. ટીમ છેલ્લા એક વર્ષથી ફિલ્મની વાર્તા પર કામ કરી રહી છે. નવી પેઢીના દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મને નવા અંદાજમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. દિગ્દર્શક મિતાક્ષરા કુમારનું લક્ષ્ય જૂની ળેન્ચાઇઝીની લોકપ્રિયતાને જાળવી રાખીને તેમાં નવીનતા લાવવાનું છે.આગામી ફિલ્મમાં કંગના રનૌત અને આર. માધવનની વાપસી નહીં થાય તેવી માહિતી મળી છે. બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી અને તેમની વચ્ચેના પ્રેમસંબંધોમાં આવતી ગેરસમજો, અલગ સ્વભાવ તથા પારિવારિક ગૂંચવણોએ દર્શકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું. જોકે, નવી ફિલ્મ માટે કલાકારોનાં નામની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. મિતાક્ષરા કુમાર માટે પણ આ પ્રોજેક્ટ મહત્વનો માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ‘તનુ વેડ્સ મનુ’નો પ્રથમ ભાગ વર્ષ ૨૦૧૧માં રિલીઝ થયો હતો, જેનું દિગ્દર્શન આનંદ એલ. રાયે કર્યું હતું. ફિલ્મમાં પ્રેમ, રમૂજ અને પારિવારિક સંબંધોની ગૂંચવણોને હળવા-ફૂલકા અંદાજમાં રજૂ કરવામાં આવી હતી. કંગના અને માધવન ઉપરાંત જિમી શેરગિલ, એજાઝ ખાન, સ્વરા ભાસ્કર અને દીપક ડોબરિયાલ સહિતના કલાકારો પણ ફિલ્મમાં જોવા મળ્યા હતા. હિમાંશુ શર્માએ ફિલ્મની વાર્તા લખી હતી.વર્ષ ૨૦૧૫માં ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી અને આ ફ્રેન્ચાઇઝીએ રોમેન્ટિક કોમેડીના ચાહકોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. હવે નવી સ્ટારકાસ્ટ અને નવી વાર્તા સાથે નિર્માતાઓ આ લોકપ્રિય ફ્રેન્ચાઇઝીને આગળ વધારવા માગે છે. જૂનાં પાત્રોની ગેરહાજરીમાં નવી જોડી અને નવા કલાકારો દર્શકોને કેટલા પસંદ પડશે તે જોવું રસપ્રદ રહેશે. જોકે, ફિલ્મની અંતિમ સ્ટારકાસ્ટ, વાર્તાની વિગતો અને રિલીઝની તારીખ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી.

