(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯ઃ
જામનગર શહેરના ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં અંગત અદાવતમાં એક શખ્સે યુવક ઉપર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. હુમલામાં યુવકને શરીરના જુદા જુદા ભાગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે વચ્ચે પડેલા એક સાક્ષીને પણ ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ કાસમભાઇ સિપાઇએ ફરિયાદી સાથે બોલાચાલી કર્યા બાદ ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી. દરમિયાન ઘટનાના સાક્ષી બનેલા વ્યક્તિને પણ ઇજા થતાં તેને ટાંકા લેવાની ફરજ પડી હતી.
આ અંગે સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ઇસ્માઇલ કાસમભાઇ સિપાઇ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૧), ૩૫૨ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

