New Delhi,તા.02
દેશમાં ચુંટણી પંચના મતદાર યાદી પુનઃસમીક્ષાના બિહારમાં ચાલી રહેલા અભિયાનમાં એક તરફ વોટ-ચોરીનો મુદો છે તો બીજી તરફ મતદાર તરીકે માન્યતા માટેના પ્રમાણપત્રમાં આધારકાર્ડ અંગે પણ હાલ બિહારમાં તેને માન્ય રાખવા સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો છે પણ તે સાથે સુપ્રીમકોર્ટે રાજકીય પક્ષોની આધારકાર્ડને દેશની નાગરિકતાના પ્રમાણપત્ર તરીકે માન્યતાની માંગણી ફગાવી દીધી છે.
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે, આધારકાર્ડ માટે જે કાનૂની મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. તેનાથી આગળ લઈ જઈ શકાય નહી. બિહાર બાદ દેશભરમાં ચુંટણી પંચ મતદાર યાદી પુનઃ સમીક્ષાની જે કવાયત કરનાર છે તે સમયે સુપ્રીમકોર્ટનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની શકે છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠે અગાઉ એવો ચૂકાદો આપ્યો હતો કે મતદાર યાદીમાં નામની ચડામણી સમયે અન્ય દસ્તાવેજોની સાથે આધારકાર્ડને પણ સ્વીકાર્ય ગણવાના રહેશે પણ હવે એ સ્પષ્ટ કર્યુ છે કે અન્ય દસ્તાવેજોની સાથે આધાર એક દસ્તાવેજ હશે પણ તે એકમાત્ર દસ્તાવેજ જે મતદાર તરીકે માન્ય રાખવા કે દેશના નાગરિક તરીકે માન્ય રાખવામાં આવશે નહી.
અદાલત પણ આધારમાં જે નિયમો છે તેનાથી આગળ જઈ શકશે નહી. રાજકીય પક્ષોએ બાયોમેટ્રીક ધરાવતા આધારને દેશના નાગરિક તરીકે માન્ય દસ્તાવેજ ગણવા માટે માંગણી કરી હતી.