New Delhi,તા.26
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ મુદ્દે મહત્ત્વની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે, દેશભરમાં બે કરોડ મૃત વ્યક્તિઓના નામ ડેટામાંથી હટાવી દેવાયા છે. કોઈપણ છેતરપિંડી ન થાય કે પછી આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય, તે હેતુથી ઓથોરિટીએ મૃતક વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધા છે. મૃતક વ્યક્તિઓની ચોક્કસ માહિતી મેળવી શકાય તે માટે UIDAIએ રજિસ્ટ્રાર જનરલ, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ અને અનેક સરકારી વિભાગો પાસેથી ડેટા મેળવ્યા હતા. આ ઉપરાંત ડેટા મેળવવા માટે બેંકો અને અન્ય સંસ્થાઓની પણ મદદ લીધી હતી.
UIDAIએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોઈપણ મૃતક વ્યક્તિનો આધાર નંબર કોઈ અન્ય વ્યક્તિને જારી કરવામાં આવતા નથી. જોકે સુરક્ષાની દ્રષ્ટિએ આ નંબરો નિષ્ક્રિય કરવા પણ જરૂરી છે. જો ફરી આ નંબરો અન્યને આપવામાં આવે તો સરકારી યોજનાઓનો દુરુપયોગ થવાની અને ગેરકાયદે લાભ લેવાની સંભાવના વધી જાય છે, તેથી આ નંબરો કાયમ માટે નિષ્ક્રિય કરવા ખૂબ જરૂરી છે.
યુઆઈડીએઆઈએ નવી સુવિધા શરૂ કરી છે, જેમાં પરિવારના સભ્યો ‘myAadhaar’ પોર્ટલ પર પોતાના દિવંગત વ્યક્તિના આધાર અંગે રિપોર્ટ નોંધાવી શકે છે. આ સુવિધા હાલ 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ છે. ચોક્કસ માહિતી મેળવ્યા બાદ જ ઓથોરિટી મૃત વ્યક્તિનો આધાર નંબર નિષ્ક્રિય કરી દે છે. ઓથોરિટીએ લોકોને અપીલ કરી છે કે, ડેટાબેજ સુરક્ષિત રહે તેમજ અપડેટ પણ રહે તે માટે, જો પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો, તેમના ડેટ સર્ટિફિકેટની myAadhaar પોર્ટલ પર નોંધણી કરાવે.

