દર બીજા દિવસે એટલા ભયાનક માર્ગ અકસ્માતના અહેવાલો જોવા મળે છે કે તસવીરો જોતાં કમકમાટી છૂટી જાય. આખી કાર કાગળના ડુચ્ચા જેવી થઇ ગઇ હોય છે. કારની હાલત જોઈને જ લાગે કે અંદર બેઠેલું કોઇ બચ્યું નહીં હોય. ભારતમાં માર્ગ અકસ્માતોમાં વર્ષે દહાડે ૧.૭૩ લાખ લોકો મોતના મુખમાં હોમાઈ જાય છે. કારનો માલિક કેટલી ઓછી ઝડપે ગાડી ચલાવે? નવી કાર ઝડપી પિક-અપ વાળી હોય છે. એક્સપ્રેસ હાઇવે અથવા પહોળા રસ્તા પર, કે જ્યાં ટ્રાફિક ઓછો હોય, ત્યાં લોકો સ્પીડનો આનદં લૂંટતા હોય છે.
૧૨ નવેમ્બરે દહેરાદૂન ખાતે થયેલા એક કાર અકસ્માતમાં છ યુવાનો કારમાં જ મૃત્યુ પામ્યા હતા. કારનો ડૂચો વળી ગયો હતો. અહેવાલ પ્રમાણે, કારની સ્પીડ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલી હતી. કોઈ કહે છે કે યુવાનો પીધેલી હાલતમાં હતા. કારની હાલત જોઇને જાતજાતના અનુમાનો વહેતા થયા છે. આ કાર ટોયટો ઇનોવા હાઇક્રોસ હતી. કાર આધુનિક હતી, પરંતુ અકસ્માત વખતે તે મુસાફરોની સુરક્ષા કરી શકી નહોતી. હવે પ્રશ્ન એ ચર્ચાય છે કે કાર ઉત્પાદકો સેફ્ટીની અનેક ખાત્રીઓ આપે છે, પરંતુ હકીકતમાં કાર સેફ્ટી જેવું કશું હોય છે ખરું? ભયંકર અકસ્માત થાય ત્યારે અંદર બેઠેલાઓ ભાગ્યે જ બચતા હોય છે.
કાર ખરીદવા જઇએ ત્યારે આપણને અનેક સેફ્ટી ફીચર્સ બતાવવામાં આવે છે, પરંતુ ૧૦૦ની સ્પીડે ભાગતી કાર ઝાડ સાથે ટકરાય છે ત્યારે મોટે ભાગે એક પણ સેફ્ટી ફીચર્સ કામ આવતું નથી. વિદેશમાં બનતી કારની તુલનામાં ભારતીય કાર્સનાં સેફ્ટી ફીચર્સ લૂલા સાબિત થઇ રહ્યાં છે.
૨૦૨૩ની પહેલી એપ્રિલે ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (મ્શભછઁ) શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં વ્હીકલ સેફ્ટી માટેનાં જે પગલાં લેવાયાં છે તે બરાબર છે કે કેમ તેના ટેસ્ટિંગ માટેનાં માપદંડોની ચકાસણી થઈ હતી. ટેસ્ટિંગ બાદ એકથી પાંચ સ્ટાર આપવામાં આવતા હતા.જોકે આ પ્રકારનું ટેસ્ટિંગ નાટકબાજી સાબિત થયું હતું, કેમ કે સામેથી આવતાં વાહન કે સામે ઊભેલા ઝાડ સાથે કાર ટકરાય તે સ્થિતિની ચકાસણી ફક્ત ૬૪ કિલોમીટરની સ્પીડ સાથે કરવામાં આવચી હતી. નવી કાર હાઇવે પર ૬૪ કિલોમીટરની સ્પીડે ભાગ્યેજ ચાલતી હોય છે. મોટા ભાગે કારની સ્પીડ ૮૦થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક હોય છે.
ભારતીય વાહનોની વૈશ્વિક સ્તરનું સ્પીડ ટેસ્ટિંગ શક્ય નથી. પશ્ચિમના દેશોના હાઇવે પર ભાગ્યે જ ‘એક્સિડન્ટ ઝોન’ જોવા મળે છે. ભારતમાં કાર ઉત્પાદકો નિયમો અનુસાર કાર સેફ્ટી મટીરીયલનો ઉપયોગ કરે તો છે, પરંતુ તે તકલાદી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જ્યાં હાઇ સ્ટ્રેન્થવાળું સ્ટીલ વાપરવાનું હોય છે ત્યાં ઓછી સ્ટ્રેન્થવાળું મટીરીયલ વાપરવામાં આવે છે. સેફ્ટી ફિચર્સ હોય છે ખરાં, પણ તેનું વ્યવસ્થિત ટેસ્ટિંગ થતું નથી.
એક અહેવાલ અનુસાર, કારની બોડીના ચોક્કસ ઓટોમેટિવ સ્ટાન્ડર્ડની પરીક્ષામાં અનેક ગાડીઓ ફેઇલ થઈ જાય છે. વિદેશની કેટલીક કંપનીઓ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટવાળી ગાડીઓ પાછી ખેંચી લે છે અને તેની જાહેરાત પણ કરે છે. ૨૦૨૦માં લક્ઝરી કાર અને સુપર કાર સહિતની ૩,૩૭,૦૮૨ કારના મોડલને બજારમાંથી પાછા ખેંચવામાં આવ્યાં હતાં. કેટલાકમાં મિરર બરાબર નહોતા તો કેટલાકમાં બ્રેક પોઇન્ટ બરાબર ફિટ નહોતા થયા.
ઓેટોમેટિવ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સિસ્ટમ (છૈંજી)-૧૪૫ સૌ પ્રથમ જુલાઇ ૨૦૧૯માં ઇન્ટ્રોડયુસ કરવામાં આવી હતી. તેમાં જાન્યુઆરી ૨૦૨૩માં સુધારા કરાયા હતા. કાર ૮૦ કે ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડની ઉપર જાય કે તરત જ સીટ બેલ્ટ એલર્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કીંગ એલર્ટ સિસ્ટમ, ડ્રાઇવર તેમજ તેની બાજુની સીટ પર બેસનારા માટે એરબેગ્સ સિસ્ટમ એક્ટિવેટ થઈ જવી ફરજીયાત બનાવાઇ હતી.
કેટલીક કાર જેવી કે હુંડાઇ મોટર્સ, કિયા વગેરે છ એરબેગની સવલતો મૂકે છે, પરંતુ મૂંઝવતો પ્રશ્ન એ છે કે શું કારને અકસ્માત થાય ત્યારે એર બેગ્સ પ્રવાસીઓને ખરેખર બચાવી શકે છે ખરી? કાર સેફ્ટીની વાતો ખૂબ થાય છે, પણ વ્યાવહારિક સ્તરે એનો એટલો અમલ થતો નથી. હવે ઇલેકટ્રોનિક સ્ટેબિલીટી પ્રોગ્રામ આવી રહ્યો છે, જેનો ૨૦૨૬ સુધીમાં દરેક ઓટો મેકર્સે અમલી બનાવવો પડશે. કાર અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય તે ખૂબ જરૂરી છે.