Vadodara,તા.11
૫૦ લાખની છેતરપિંડીના ગુનામાં ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.ની ટીમે મુંબઇના અંધેરી ખાતેથી ઝડપી પાડી વાડી પોલીસને વધુ કાર્યવાહી માટે સુપરત કર્યો છે.
વાડી પોલીસ સ્ટેશનમાં ૨૧ વર્ષ અગાઉ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી. જેની વિગત એવી હતી કે, આરોપી આદિત્ય અનિલભાઇ પસારી તથા તેની માતા ઉષાબેને ઝેનિથ પ્લાય ટ્રેડિંગ કંપનીના સંચાલક તરીકે મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંકમાંથી ૫૦ લાખની લોન લઇ તારણમાં મૂકેલો સામાન બેંકની જાણ બહાર બારોબાર વેચી દીધો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી આદિત્ય પસારી સામે પોલીસે ધરપકડ વોરંટ પણ મેળવ્યું હતું. નાસતો ફરતો આરોપી હાલમાં મુંબઇ અંધેરી વેસ્ટ લોખંડવાલા ગોલ્ડન રેસ કોમ્પલેક્સમાં રહેતો હોવાની માહિતીના આધારે એલ.સી.બી. ઝોન – ૩ ની ટીમે તેને મુંબઇ જઇ ઝડપી પાડયો છે. સહઆરોપી તેની માતાનું અવસાન થયું હોવાનો દાખલો પોલીસ સમક્ષ આદિત્યએ રજૂ કર્યો હતો. આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી અમરિષ મગનભાઇ પટેલ સામેનો કેસ ચાલી જતા કોર્ટે કસુરવાર ઠેરવીને ૩ વર્ષની કેદ કરી હતી.જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, રાવપુરા પોલીસ સ્ટેશનમાં ૧૦ વર્ષ અગાઉ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી. જેની વિગત એવી છે કે, આરોપીઓએ જમીનનો સોદો કરી ૮ લાખ લઇ લીધા પછી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નહતો અને રૃપિયા પણ પરત કર્યા નહતા. આ ગુનામાં સામેલ આરોપી શોભનાબેન કમલેશભાઇ ધોળકિયા (રહે.પુષ્પકુંજ સોસાયટી, પુષ્પમ ફ્લેટ, કારેલીબાગ, વડોદરા હાલ રહે. વસઇ ઇસ્ટ, પાલઘર, મહારાષ્ટ્ર) ગુનો દાખલ થયા પછી ભાગી ગયા હતા. તેમના વિરૃદ્ધ કોર્ટમાંથી સીઆરપીસી ૭૦ મુજબનું વોરંટ પણ પોલીસે મેળવ્યું હતું. ધરપકડ ટાળવા માટે તેઓ અલગ – અલગ રાજ્યમાં ભાડે મકાન લઇને રહેતા હતા. હાલમાં તેઓ પાલઘર રહેતા હોવાની માહિતી ડીસીપી અભિષેક ગુપ્તાની એલ.સી.બી.ની ટીમને મળી હતી. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને શોભનાબેનને ઝડપી પાડયા હતા.