Rajkot, તા. 9
મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે આજથી એડવાન્સ વેરામાં વળતરની યોજના શરૂ થઇ છે તો જુના બાકીદારોને ચાર હપ્તે વેરા ભરી શકે તેવી વનટાઇમ સેટલમેન્ટ યોજના 2.0નો પણ પ્રારંભ થયો છે.
આજે બપોરે 1.15 વાગ્યા સુધીમાં કુલ 6,366 કરદાતા દ્રારા રૂ.2.99 કરોડની રકમ જમા કરાવવામાં આવી છે. જેમાં કુલ 4,723 કરદાતા દ્રારા ઓનલાઇન રૂ.2.19 કરોડ તથા 1,643 કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી 71 લાખની આવક થયેલ છે. ભરપાઈ કરેલ કુલ વેરામાં 37 લાખ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.
વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે મિલ્કતવેરા તથા પાણી વેરો સ્વીકારવામાં આવે છે. આ બાબતે ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસમાં છાંયડા, પીવાના પાણી તથા જરૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવેલ છે.
પ્રમાણિક કરદાતાઓ દર વર્ષે મોટી સંખ્યામાં આ 10 થી 15 ટકા રીબેટ યોજનાનો લાભ લે છે. આજથી ટેક્સની રકમ ઓનલાઇન-ઓફલાઈન, તમામ સિવિક સેન્ટર અને તમામ વોર્ડ ઓફિસ ખાતે ભરવાનું શરૂ કરાયું છે. નવા નાણાંકીય વર્ષમાં વસુલાત શરૂ કર્યાની તા.31મે 2025 સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્ષ, ડ્રેનેજ કર, દીવાબતી કર તથા પાણી ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ, નોટિસ ફી સહિતની પુરેપુરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-2026 ની સામાન્યકર, પાણી ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 10% વળતર આપવામાં આવશે.
બે મહિના પુરા થયા બાદના 30 દિવસની અંદર એટલે કે, તા.1 જુન થી તા.30 જુન સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્ષ, ડ્રેનેજ કર, દીવાબતી કર તથા પાણી ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ/નોટિસ ફી સહિતની પુરેપુરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-2026ની સામાન્ય કર, પાણી ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 5 % વળતર આપવામાં આવશે.
ઉપરાંત ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5 % વળતર, ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 1 % વળતર, સતત ત્રણ વર્ષથી આવી યોજના દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1 % વળતર અપાઇ રહ્યું છે.
જયારે 40%થી વધારે દિવ્યાંગતા હોય અને ફક્ત તેમના જ નામે હોય તેવી રહેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે. સૈનિકો અને પૂર્વ સૈનિકોને પણ વિશેષ લાભ છે.
વન ટાઈમ ઈન્સટોલમેન્ટ સ્કીમ 2.0 યોજનાનો લાભ લેવા મિલ્કતધારક દ્વારા તા.31-5 સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી કરાવીને મિલકત વેરા અથવા પાણીચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષની (વ્યાજ સહિત) રકમના 100% અને એરીયર્સની (વ્યાજ સહિત) રકમનાં 25% જેટલી રકમનો પ્રથમ હપ્તો ભરવાનો રહશે. બાકીની 75% રકમ આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન 25%,25% અને 25%ના ત્રણ હપ્તામાં ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.