Kabul, તા.17
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાડોશી દેશોને નદીઓનું પાણી નહીં આપવાનો નિર્ણય લેતા પાકિસ્તાન અને ઈરાનની ઉંઘ હરામ થઈ ગઈ છે તો મધ્ય એશિયાના અન્ય દેશોની ચિંતા વધી છે. પાકિસ્તાન અને ઈરાને છેલ્લા બે વર્ષમાં લાખો અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢયા છે. જેને પગલે નારાજ તાલિબાન શાસકોએ પોતાના દેશની નદીઓ અને નહેરોનું પાણી પોતાના દેશના લોકોના ઉપયોગ માટે અન્ય દેશોમાં જતું રોકવાની યોજના ઘડી છે. અહેવાલ મુજબ અફઘાનિસ્તાને જો નદીઓનું પાણી રોકી દીધુ તો પાકિસ્તાન, ઈરાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાનને ભારે મુશ્કેલી થશે.
અફઘાનિસ્તાન સરકાર પોતાના દેશની નદીઓ અને નહેરોનું નિયંત્રણ કરવા જઈ રહી છે. તાલિબાને વર્ષ ર0ર1માં સત્તા આંચકી લીધા બાદ દેશમાં મોટાપાયે બાંધો અને નહેરો બાંધવાનું શરૂ કર્યું, જેથી પાકિસ્તાન અને ઈરાન જેવા પાડોશી દેશો સાથે વિવાદ થયો છે. તાલિબાને દાવો કર્યો કે અફઘાનિસ્તાનને ખેતી અને રોજિંદી જરુરીયાત માટે પાણીની જરુર છે. જેથી પાણી માટેના અનેક પ્રોજકેટ શરુ કરવામાં આવ્યા છે. પાણીને સુરક્ષિત કરવું એ તેમની સંપ્રભુતાનો ભાગ છે. અફઘાનિસ્તાનના પગલામાં સૌથી મોટો વિવાદ તેપા નહેરનો છે જે ઉત્તર અફઘાનિસ્તાનમાં પ.60 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ માટે બનાવવામાં આવી છે. આ નહેર પાણીના પ્રવાહને ર1 ટકા સુધી વાળી શકે છે. જેને પગલે આજુબાજુના અનેક દેશ અસરગ્રસ્ત બનશે.