બિહારમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે અને તેના માટે રણનીતિ તૈયાર થઈ રહી છે
New Delhi, તા.૨૭
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ચાણક્ય તરીકે ઓળખાય છે. તેની પાછળ તેમની રાજનીતિક સમજ અને કૂટનીતિ છે. તેઓ પોતાની રાજનીતિક સમજથી સતત પાર્ટીને વધુ આગળ લઈ જઈ રહ્યા છે. બિહારમાં હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત બાદ હવે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે.
બંગાળમાં પણ મોટું પરિવર્તન કરવા માટે પાર્ટી દિવસ રાત મહેનત કરી રહી છે. પાર્ટીન ચાણક્ય અમિત શાહે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાના ઘરે થયેલી બેઠકમાં પાર્ટીના નેતાઓને એક મોટો સંદેશ આપ્યો છે અને બંગાળ કેવી રીતે ફતેહ કરવું તેનો મૂળ મંત્ર પણ આપ્યો છે. જાણો તેમણે શું કહ્યું.
ભાજપ અધ્યક્ષ નડ્ડાના ઘરે ડિનર પાર્ટી આમ તો એક બહાનું હતું પરંતુ તેનો અસલ હેતુ કઈક બીજો હતો. આ હેતુ હતો બંગાળ પર ચૂંટણી રણનીતિ ઘડવી. મીડિયા રિપોર્ટ મુજબ શાહે બેઠકમાં કહ્યું કે બિહારની ચૂંટણીમાં એનડીએની જીત એ સમગ્ર ભારતની જીત છે. બિહારની જીત ઘૂસણખોરોને દેશમાંથી બહાર કરવાના દરેક ભારતીયના સંકલ્પની જીત છે. પીએમ મોદીના નેતૃત્વમાં આ જનતાનો અતૂટ પ્રેમ અને વિશ્વાસ છે. બિહારની જીતમાં એનડીએની ૫ પાર્ટીઓએ પાંડવોની જેમ ચૂંટણી લડી અને બિહારવાળાએ પીએમ મોદી અને નીતિશકુમારની જોડીને દિલ ખોલીને સમર્થન આપ્યું.
આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે તમામ નેતાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી, ચૂંટણીમાં ૧ ટકાનું યોગદાન પણ મોટું હોય છે પંરતુ કોઈ નેતા એ ન સમજે કે આ જીત તેના કારણે મળી છે. કારણ કે તેનાથી ઘમંડ આવે છે. તમારી જવાબદારી ચૂંટણી લડવાની નહીં પરંતુ જહાં કમ વહાં હમની ભૂમિકામાં હતી. આગળ બંગાળની લડાઈ છે અને આ લડાઈ માટે આપણે બધાએ તૈયાર રહેવાનું છે. બંગાળમાં પાર્ટી કઈ રીતે મજબૂત થાય તેના પર બધાએ ધ્યાન આપવું જોઈએ. તમે બધા હંમેશા કાર્યકર મોડમાં રહો કારણ કે ગમે ત્યારે ડ્યૂટી લગાવવામાં આવી શકે છે. ગૃહમંત્રી શાહના આ શબ્દો ફક્ત શબ્દો નહીં પરંતુ પાર્ટી માટે મૂળ મંત્ર સમાન છે.
જહાં કમ વહાં હમ મૂળ મંત્ર સાથે ભાજપ હવે બંગાળની તૈયારીઓમાં લાગ્યો છે. પશ્ચિમ બંગાળમાં હાલ તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. વર્ષ ૨૦૧૧થી મમતા બેનર્જી સતત મુખ્યમંત્રી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના કિલ્લામાં ગાબડું પાડવાનો સતત ભાજપનો પ્રયત્ન રહ્યો છે. પરંતુ આશા મુજબ પાર્ટીને સીટો મળી નથી. જો કે વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૨ સીટો મળી હતી જેનાથી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે. આવામાં બિહાર ચૂંટણીમાં મળેલી જીતે પાર્ટીનો જુસ્સો ખુબ વધાર્યો છે.

