Washington, તા. 4
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ પાકિસ્તાનના સૈન્ય વડા અને ખુદને ફિલ્ડમાર્શલ જાહેર કરનાર જનરલ મુનીરને લંચ પર ખાસ આમંત્રણ આપ્યા બાદ હવે પાકિસ્તાનના હવાઇદળના વડા પણ અમેરિકા પહોંચ્યા છે અને તેઓ અમેરિકામાં પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીઓ સાથે અનેક બેઠકો યોજશે તેવા સંકેત છે.
જનરલ મુનીર અને ડોનાલ્ડ ટ્રમ્પે સાથે લંચ લીધા બાદ અમેરિકાએ જે રીતે ઇરાન પર હુમલો કર્યો હતો તેમાં પાકિસ્તાનના એરસ્પેસનો પણ ઉપયોગ થયો હતો તે સમયે પાકિસ્તાન હવાઇ દળના વડા એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબર સિંધુ પેન્ટાગોનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યા છે.
તેમાં બંને દેશો વચ્ચે કોઇ મોટો વ્યુહ રચાઇ રહ્યા હોવાના સંકેત છે. બે દિવસ પહેલા પાક. એરમાર્શલ અમેરિકા પહોંચ્યા હતા અને ખાસ કરીને જે રીતે લાંબા સમય બાદ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધમાં ઉષ્મા આવી છે તેમજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને ખાસ ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તે સંદર્ભમાં આ મુલાકાત મહત્વની બની જાય છે.
બંને દેશો વચ્ચેના લશ્કરી સંબંધોમાં થનારા ફેરફાર એ ભારત માટે એક પડકાર બની શકે છે. બીજી તરફ એવું માનવામાં આવે છે કે ભારત સાથેના યુધ્ધમાં જે રીતે રાવલપિંડી નજીકના નુરખાન એરબેઝને ભારતીય હુમલામાં મોટુ નુકસાન થયું તે એરબેઝ વાસ્તવમાં અમેરિકા પોતાના માટે ઉપયોગ કરે છે અને ભારતની ત્યાં સુધીની પહોંચ એ અમેરિકા માટે સૌથી મોટો પ્રશ્ર્ન બની ગયો છે.
તેથી આ મુલાકાત દરમ્યાન આ મુદો પણ ચર્ચાઇ તેવી શકયતા છે. અમેરિકા અને ભારત વચ્ચે કવાર્ડ સહિતના સંબંધો અને જે રીતે બંને દેશો ટુંક સમયમાં જ વ્યાપાર કરાર કરવા જઇ રહ્યા છે તે વચ્ચે પાક સૈન્યના એરમાર્શલની આ મુલાકાત પર ભારતની પણ નજર છે.