Lucknow, તા. 28
ઉત્તરાખંડના હરિદ્વારના મનસા મંદિરમાં નાસભાગની ઘટના બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ માસના સોમવારે જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.
મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.
મૃતકોમાં લોનિકત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુરા ગામના રહેવાસી 22 વર્ષીય પ્રશાંત અને એક અન્ય શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે. બંનેને સારવાર માટે ત્રિવેદીગંજ સીએચસી લાવવામાં આવ્યા હતા.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જલાભિષેક માટે મંદિર પરિસરમાં ભેગા થયા હતા.
આ દરમિયાન એક વાંદરો વીજળીના વાયર પર કૂદી પડ્યો હતો, જેના કારણે વાયર તૂટી ગયો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો. વાયર પડતાની સાથે જ વીજકરંટ શેડમાં ફેલાઈ ગયો, જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને નાસભાગ મચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રવિવારે સવારે હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના બની હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. કાવડ યાત્રા પછી રસ્તો ખોલવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા અને ભીડને કારણે અરાજકતા ફેલાઈ હતી. અકસ્માતમાં 15 લોકો ઘાયલ પણ થયા હતા.