New Delhi,તા.22
ભારતીય હવાઈદળમાં 62 વર્ષ સુધી સેવા આપ્યા બાદ અંતે મીગ-21 વિમાનને આગામી સપ્ટેમ્બર માસમાં ખાસ વિદાય અપાશે. દેશની સ્વતંત્રતા સાથે જ હવાઈ દળમાં સામેલ થયેલા અને અનેક યુધ્ધમાં મહત્વની તથા સફળ ભૂમિકા ભજવનાર મીગ-21 વિમાનની સ્કોર્ડનમાં અંતિમ એરક્રાફટ જે પેન્થર તરીકે ઓળખાય છે.
તેને 19 સપ્ટેમ્બરે ચંદીગઢ ખાતેના એરબેઝ પરથી વિદાય અપાશે અને તે સાથે જ મીગ-21 વિમાન ભારતીય હવાઈદળમાં ભૂતકાળ બની જશે. એક સમયે ભારતના એરપાવરમાં મીગ-21 એ મહત્વનું સ્થાન ધરાવતા હતા અને 1965 તથા 1971ના પાકિસ્તાન સામેના યુધ્ધમાં આ વિમાને મહત્વની ભૂમિકા ભજવી હતી.
એટલુ જ નહીં 2019ના બાલાકોટ એરસ્ટ્રાઈક તેમજ હાલમાં જ ઓપરેશન સિંદુરમાં પણ આ વિમાને કામગીરી કરી હતી. મીગ-21 જેટલી લાંબી ઈનીંગ્સ ભારતીય હવાઈદળમાં એક પણ ફાઈટર વિમાને ખેલી નથી. રશીયન બનાવટના આ વિમાનના 850 ફાઈટર જેટ ભારતે ખરીદયા હતા.