Ahmedabad,તા.૩૧
જનતાના પ્રશ્નો હલ કરવાને બદલે સોશિયલ મીડિયા પર ’રીલ્સના રાજા’ બનવા નીકળેલા મંત્રીઓને ગુજરાતની જનતાએ અસલી અરીસો બતાવી દીધો છે. સચિવાલયની એસી કેબિનોમાં બેસીને મોંઘા કેમેરા અને પ્રોફેશનલ પીઆર એજન્સીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચનારા મંત્રીઓની ડિજિટલ લોકપ્રિયતાનો કિલ્લો કડડભૂસ થઈ ગયો છે. એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, સંજય મહિડા, મોઢવાડિયા, કમલેશ પટેલ સહિત અન્ય મંત્રીના ફેસબુક, ટિ્વટર અને ઈન્સ્ટાગ્રામ પરથી ફોલોઅર્સ રોકેટની ગતિએ ઘટી રહ્યા છે, જેને પગલે હવે સચિવાલયના ગલિયારા ઉપરાંત કમલમમાં ફફડાટ ફેલાયો છે.
એક તરફ દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં છે કે દેશની નવી પેઢી એટલે કે ’જેન-ઝી’ મતદારો કેમ નારાજ છે? યુવા મતદારોને કેવી રીતે રીઝવવા તે મુદ્દે ભાજપ હેડક્વાર્ટસ પર બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં મંત્રીઓને ડિજિટલ દુનિયામાંથી જાકારો મળી રહ્યો છે તેવું ચિત્ર ઉપસ્યું છે. એપ્રિલ ૨૬થી માંડીને ઓગષ્ટ-૨૬ સુધીમાં જ ઈન્સ્ટાગ્રામ પર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દોઢેક લાખ ફોલોઅર્સ ઘટ્યાં છે. મહેસૂલ મંત્રી સંજય મહિડાના ફોલોઅર્સ પણ ઘટ્યા છે. જ્યારે મંત્રી મનિષા વકીલના પંદરેક હજાર ફોલોઅર્સ ઘટ્યાં છે.
ડીજીટલ દુકાન પર રિવાબા જાડેજાના સમર્થકોની સંખ્યા સૌથી વધુ ઘટી છે. પાંચેક લાખ ફોલોઅર્સ ઘટ્યાં છે. ટિ્વટર પર કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને વન-પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાના ચાહકોની સંખ્યા ઘટી છે. ફેસબુક પર મંત્રી કુંવરજી બાવળિયાના ૨૧ હજાર જ્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલના ૨૦ હજારથી વધુ ફોલોઅર્સ ઘટ્યાં છે. મંત્રી કમલેશ પટેલના પણ ફોલોઅર્સ ઘટ્યાં છે. ટૂંકમાં, ફેસબુક અને ટિ્વટર પર મંત્રીઓની લોકપ્રિયતા ઘટી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ માટે હવે ધોમધખતા તાપમાં જનતાની વચ્ચે જઈને રસ્તા, પાણી, બેરોજગારી અને મોંઘવારીના સવાલોનો સામનો કરવાની હિંમત રહી નથી. પરિણામે, મંત્રીઓને હવે લોકોના પ્રશ્નો ઉકેલવા કરતા ફેસબુક- ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાનું ’ડિજિટલ ઘેલું લાગ્યું હતું. જનતા પોતાના હક્કના કામો માટે ગાંધીનગર સચિવાલયમાં ધક્કા ખાઈ રહ્યાં છે. મુલાકાતના દિવસે પણ મંત્રીઓ મિટીંગના નામે વ્યસ્તતાનો ડોળ કરી રહ્યાં છે. બીજી તરફ, પ્રજાના કામો કરવાને બદલે મંત્રીઓ કયા એન્ગલથી ચહેરો સારો દેખાશે, કઈ સ્લો-મોશન એન્ટ્રી રાખવી અને કયા ટ્રેન્ડિંગ મ્યુઝિક પર રીલ્સ બનાવવી તેની ‘વ્યૂહાત્મક બેઠકો’ કરી રહ્યાં છે.
મંત્રીઓમાં અત્યારે ડિજિટલ લોકપ્રિયતા મેળવવાની હોડ જામી છે. સ્પર્ધા એ વાતની નથી કે કોણે પોતાના મત વિસ્તારના પ્રશ્નો વધુ ઉકેલ્યા, પણ સ્પર્ધા એ વાતની છે કે કોની રીલ્સ પર કેટલી ‘લાઈક્સ’ અને ‘વ્યૂઝ’ આવ્યા! સરકારનો જાણે નવો ફતવો હોય તેમ લોકોના પ્રશ્નો ઉકેલો કે ન ઉકેલો, પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો. પરંતુ હવે આ પોકળ ડિજિટલ પબ્લિસિટીની હવા નીકળી ગઈ છે.
ઘટતા ફોલોઅર્સ મુદ્દે કોંગ્રેસ અને આપ નેતાઓએ કટાક્ષ કર્યો કે, રાજ્યમાં બેરોજગારી, સરકારી ભરતીના કૌભાંડો અને મોંઘવારીની અસલી રીલ્સ રોજ બની રહી છે, પણ મંત્રીઓ પોતાના ચહેરા પર ‘બ્યુટી ફિલ્ટર’ લગાવીને બધું સલામત હોવાનો ભ્રમ પેદા કરી રહ્યા છે. મંત્રીઓ પીઆર એજન્સીઓ પાછળ જનતાના ટેક્સના રૂપિયા ઉડાવી રહ્યા છે. મંત્રીઓ રીલ્સ જ બનાવવાને બદલે પ્રજાના વણઉકેલાયેલાં પ્રશ્નોનો ઉકેલ લાવે. હાલ તો આખી સરકાર જ ‘વર્ચ્યુઅલ’ છે તેવું લાગી રહ્યું છે.

