Ahmedabad,તા.૩૧
સાતમ-આઠમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં જુગારિયા જાણે પોલીસના ડર વગર જ જુગાર રમવા માટે બેસી જતા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોનાં રહેણાક, હોસ્પિટલ, મકાન, જાહેર રસ્તા, ચાલી, સોસાયટી,જીઆઇડીસીથી લઈને હોટલના રૂમ સુધી જુગારધામો ધમધમતાં જોવા મળ્યાં હતાં. પોલીસને બાતમી મળતાં જ અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમોએ એક પછી એક દરોડા પાડ્યા હતા. એક જ ઝુંબેશ દરમિયાન કુલ ૧૧૭ જુગારિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી કુલ ૨.૪૬ લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે જુગારિયાઓએ જુગાર રમવા માટે એવી જગ્યાઓ પણ શોધી કાઢી હતી, જ્યાં સામાન્ય રીતે પોલીસને શંકા ન જાય, જોકે પોલીસની નજરથી આ જુગારધામો બચી શક્યાં નહોતાં.
એરપોર્ટ પોલીસની ટીમને બાતમી મળતાં મહારથી સોસાયટીના એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જુગાર રમતા ૧૦ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૨૪ હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. ત્યાર બાદ બાપુનગર પોલીસની ટીમે સોનેરિયા ‘જે’ બ્લોક પાસેથી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૧૩ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
દરિયાપુર પોલીસે બુખારી મહોલ્લામાં દરોડો પાડી ૧૫ જુગારિયાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ૧૫ હજાર રૂપિયા રોકડા કબજે કર્યા હતા. તપાસ દરમિયાન અહીં જુગાર રમવા માટે રૂપિયા લીધા બાદ જુગારિયાને કોઈન આપવામાં આવતા હોવાની વિગતો પણ સામે આવી હતી.
ગોમતીપુર પોલીસે બે યુવકોને જુગાર રમતાં ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૧૮૦૦ રૂપિયા જપ્ત કર્યા હતા. મેઘાણીનગર પોલીસે આદર્શ સ્કૂલની ગલીમાંથી જુગાર રમતા ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૭૭૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઓઢવ પોલીસે નેમિનાથ સોસાયટીના મકાનમાં દરોડો પાડી નવ જુગારિયાને ઝડપી લીધા હતા અને ૬૯૦૦ રૂપિયા જપ્ત કર્યા હતા.
સાબરમતી પોલીસની ટીમે ગાંધીવાસ પાસેથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૪૪૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સરદારનગર પોલીસે બંગલા એરિયામાંથી જુગાર રમતા પાંચ શખ્સોને ૧૧ હજાર રૂપિયા સાથે ઝડપી લીધા હતા. શહેરકોટડા પોલીસે પણ જુગારધામો સામે એક પછી એક કાર્યવાહી કરી હતી. ખાડાવાળી ચાલીમાંથી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ૪૯૦૦ રૂપિયા જપ્ત કરાયા હતા. ત્યાર બાદ અભિલાષા એપાર્ટમેન્ટ પાસેથી ચાર જુગારિયાને ૭૫૦૦ રૂપિયા સાથે ઝડપી લીધા હતા. બાઈ રૂખીની ચાલીમાંથી વધુ ત્રણ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ૨૭૦૦ રૂપિયા મળી આવ્યા હતા.
સોલા પોલીસે જનતાનગર ખાતેથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ૨૭ હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. વાડજ પોલીસે નવા વાડજ વિસ્તારમાં દરોડો પાડી સાત જુગારિયાને ૨૯૦૦ રૂપિયા સાથે ઝડપી લીધા હતા. વટવા જીઆઈડીસી પોલીસે પાંચ જુગારિયાને ૧૫ હજાર રૂપિયા સાથે ઝડપી લીધા હતા, જ્યારે વટવા પોલીસે અન્ય એક સ્થળેથી વધુ પાંચ જુગારિયાને ૩૧ હજાર રૂપિયા રોકડા સાથે ઝડપી પાડ્યા હતા.
એલિસ બ્રિજ ખાતે આવેલી વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમરૂમની બાજુમાં જ જુગાર રમાતો હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીથી જુગારિયામાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે રાજેશ પરમાર, અબ્દુલ સોલંકી, સુરેશ વાઘેલા, ધર્મેશ દંતાણી, બિપિન પરમાર અને નરેશ કોચરની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી કુલ ૨૯ હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમરૂમની બાજુમાં જ જુગારધામ ચાલતું હોવાની વાત સામે આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.
રામોલ પોલીસે હોટલ પુરોહિત પેલેસના એક રૂમમાં દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. હોટલના રૂમમાં જ જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ ૪૩ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. હોટલના રૂમને જ જુગારધામ બનાવી દેવામાં આવ્યું હતું અને પોલીસની બાતમીના આધારે સમગ્ર ખેલનો પર્દાફાશ થયો હતો. સાતમ-આઠમના તહેવારો નજીક આવતાં શહેરમાં જુગાર રમવાની પ્રવૃત્તિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી છે. પોલીસ દ્વારા રહેણાક વિસ્તારો ઉપરાંત જાહેર સ્થળો અને ખાનગી જગ્યાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. એક સાથે થયેલી કાર્યવાહીમાં ૧૧૭ જુગારિયા ઝડપાતાં પોલીસની કામગીરીથી જુગાર રમતા શખ્સોમાં ફફડાટ ફેલાયો

