Ahmedabad,તા.૧૭
ઘણીવાર રક્ષક ગણાતી પોલીસ જ ભક્ષક બનતી હોય છે. જેમાં પોલીસ કર્મચારીઓ એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે તોડબાજી કરતા હોય છે. સાયબર ક્રાઈમને અટકાવવાની કવાયત કરતી અમુક પોલીસ કર્મચારીઓ કાયદો જાણતાં હોવા છતાં સાયબર ક્રિમિનલ બની રહ્યાં છે. જૂનાગઢ પછી દોઢ વર્ષે નર્મદા પોલીસનો તોડકાંડ પ્રકાશમાં આવ્યો છે. સાયબર ક્રાઈમ રોકવા માટે એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરવાની કાયદેસર કાર્યવાહીના નામે પોલીસ તોડબાજી કરી રહ્યાનો બીજો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
શંકાસ્પદ બેન્ક ખાતાંની વિગતો મળે એટલે મળતિયા દ્વારા થોડા પૈસા જમા કરાવી આ જ મળતિયાની છેતરાયો હોવાની અરજીના આધારે તોડબાજીનું પોલીસનું નેટવર્ક આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું હોવાના અનેક તથ્યો સરકાર અને પોલીસ તંત્રના અનેક ઉચ્ચ અધિકારીઓ જાણે જ છે. ગાંધીનગરથી લઈને જિલ્લા કક્ષાએ આપ્રકારે પોલીસના તોડબાજીના નેટવર્કને અટકાવવાની કાર્યવાહી કરાશે ખરી તેવો સવાલ લોકોમાં છે.વર્ષ ૨૦૨૪ના આરંભે જૂનાગઢથી ડીવાયએસપી કક્ષાના અધિકારી તરલ ભટ્ટ અને તેમના તાબાની ટીમ દ્વારા ૩૩૫ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરાવવાનો ખેલ કરાયાનો ઘટસ્ફોટ થયો હતો.આ કેસમાં પોલીસ અધિકારી, કર્મચારીઓની ધરપકડ પણ કરાઈ હતી. ત્યારબાદ હવે નર્મદા જિલ્લા પોલીસ વડાએ આવું જ એક ચોંકાવનારૂં કારસ્તાન પકડી પાડ્યું છે. રાજપિપળા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર ઓપરેટર લક્ષ્મણ ચૌધરી કેટલાક મહિનાઓથી બેન્કોને ઈ-મેઈલ કરીને બેન્ક એકાઉન્ટસ ફ્રીઝ અને અનફ્રીઝ કરાવતો હતો. આ પ્રકારે બેન્ક ખાતાં ફ્રીઝ અને અનફ્રીઝ કરાવીને આર્થિક તોડબાજીના કેસની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યાં છે. બે વર્ષમાં જ પોલીસ તંત્રનો જ હિસ્સો હોય તેવા કર્મચારી કે અધિકારી જ સાયબર ક્રાઈમ રોકવા માટે એકાઉન્ટ ફ્રીઝ-અનફ્રીઝ કરાવી જેમના એકાઉન્ટસ હોય તેમને બોલાવીને તોડબાજીનો ખેલ ચલાવતાં હોવાના બે કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે.
ગુજરાતના પોલીસ તંત્રમાં શંકાસ્પદ બેન્ક ખાતામાં મળતિયાઓ દ્વારા થોડા પૈસા જમા કરાવીને તેમની પાસેથી જ અરજી મેળવીને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ-અનફ્રીઝ કરી અમુક ખાખી વર્દીધારીઓ દ્વારા તોડબાજીનું નેટવર્ક ચલાવાય છે તેની વ્યાપક અને રાજ્યવ્યાપી તપાસ જરૂરી બન્યાની લાગણી અને માગણી વ્યાપક બની છે.
જાણકારોના મતે, લાખો અને કરોડો રૂપિયાની હેરાફેરી કરતી આંગડિયા પેઢીઓ કે હેરાફેરી કરનારાઓ પાસે અગણિત બેન્ક એકાઉન્ટના ડેટા બજારમાં ફરી રહ્યાં છે. ગરીબો અથવા તો કાયદાના જાણકાર ન હોય તેવા લોકો પાસે બેન્ક એકાઉન્ટ ખોલાવીને નાણાંકીય હેરાફેરી માટે વેચાણનું સુઆયોજીત નેટવર્ક ચાલી રહ્યું છે. આવા ડેટા પોલીસ પણ મેળવે અથવા ખરીદે છે. આવા બેન્ક એકાઉન્ટમાં મળતિયાઓ પાસે પૈસા જમા કરાવી અને ફ્રોડ થયાની અરજી કે સાયબર પોર્ટલ કે સાયબર હેલ્પલાઈન ઉપર ફરિયાદ કરીને એકાઉન્ટ ફ્રીઝ કરાવી એકાઉન્ટમાં રહેલી રકમમાંથી પચ્ચીસથી માંડી ૫૦ ટકા સુધીની રકમનો તોડ કરવાનું નેટવર્ક અમુક પોલીસ કર્મચારી, અધિકારીઓ ચલાવી મોસાળે જમણ અને માં પિરસનાર ઉક્તિને સાર્થક કરી ધરાઈને ગેરકાયદે કમાણી કરે છે. આ વાતથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અજાણ નથી.ઓનલાઈન ગેમિંગ, ક્રિકેટ કે શેર સટ્ટો, જુગાર અને ફ્રોડ કરીને મેળવવામાં આવતાં પૈસા અન્ય રાજ્ય કે વિદેશમાં લઈ જવા માટે બેન્ક ખાતાંઓ ભાડે રાખીને હેરાફેરી કરવામાં આવે છે. ભારતમાં નાણાંકીય હેરાફેરી રોકવા વર્ષ ૨૦૨૪માં આવા ૪.૫૦ લાખ બેન્ક ખાતાં ફ્રીઝ કરાયાં હતાં. ગુજરાતમાં પોલીસ દ્વારા બેન્ક ખાતાં ફ્રીઝ-અનફ્રીઝ કરવામાં પોલીસના મેળાપિપણાના વિવાદ પછી સરકારે ૨.૧૪ લાખ બેન્ક એકાઉન્ડ અનફ્રીઝ કર્યાનું જાહેર કરી પોતાની જ પીઠ થાબડી હતી. પરંતુ સાયબર ક્રિમિનલ્સની માફક જ તોડબાજીમાં અનેક ખાખી વર્દીધારીની માનસિકતા બદલી નથી.
હદ તો એ વાતની છે કે, અદાલતે પણ આખા બેન્ક એકાઉન્ટસ ફ્રીઝ કરવાના બદલે ગુનામાં સામેલ જણાતી હોય તેટલી રકમ જ ફ્રીઝ કરવાની તાકીદ કરી છે. છતાં જ્યાં સુધી નૈવેદ્ય ધરવામાં ન આવે ત્યાં સુધી પોલીસ ફ્રીઝ કરેલાં એકાઉન્ટસ ખોલતી નથી. હવે તો બેન્ક ખાતાં ફ્રીઝ-અનફ્રીઝ કરવામાં પોલીસ અને મળતિયાના મેળાપિપણાના કિસ્સા ખુલી ચૂક્યાં છે. બેન્ક એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરવાના નેટવર્કને ધ્વસ્ત કરવા માટે નોડલ એજન્સી જ્યાંથી સંચાલન કરે છે, તેવા ગાંધીનગરથી લઈ જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોમાં ઊંડી તપાસ સાથે સાફસુફી જરૂરી જણાય છે. મોટી મોટી વાતો કરતી સરકાર અને કામગીરીની વાહ-વાહ મેળવવાની શોખિન બની ચૂકેલી ગુજરાત પોલીસ પારદર્શિતા દાખવે તો પ્રજાનો ભરોસો જાળવી શકાય તેમ હોવાની લોકચર્ચા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. બેન્કોએ પૈસાની ગેરકાયદે નાણાંકીય હેરાફેરી જણાય તેવા એકાઉન્ટસ ઉપર નજર રાખવી. કાયદાનું પાલન કરાવતી સંસ્થા તરફથી કોર્ટના આદેશ રજૂ કરાય બાદ એકાઉન્ટ ફ્રીઝ કરવા. મની લોન્ડરિંગના કિસ્સા રોકવા બેન્ક ખાતાંમાં કેવાયસી નિયમીત કરવા, એકાઉન્ટ ફ્રીઝ કરતાં પહેલાં ખાતાધારકને નોટિસ આપવી, આખું એકાઉન્ટ ફ્રીઝ કરવાના બદલે શંકાસ્પદ રકમ ફ્રીઝ કરવી નિયમાવલી અનુસાર આ કાર્યવાહી કરવાની ગાઈડલાઈન જાહેર કરી છે.