New Delhi,તા.2
તાતા જૂથની માલિકીની એરઈન્ડિયાએ હવે એની ડોમેસ્ટિક ફલાઈટોમાં પ્રવાસીઓને ઈનફલાઈટ વાઈ-ફાઈની સુવિધા આપવાની શરૂઆત કરી છે.અને આવું કરનારી દેશમાં આ પહેલી એરલાઈન છે.
આ સંદર્ભે એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, ડોમેસ્ટિક રૂટો પર એરબસ એ350 બોઈંગ 787-9 અને કેટલીક એરબસ એ 321 એનઈઓ એરક્રાફટમાં આ સુવિધા પ્રવાસીઓને મળી શકશે.
આમ ડોમેસ્ટિક સેકટરમાં એર ઈન્ડિયાએ ઈનફલાઈટ વાઈ-ફાઈની સુવિધા આપી છે જેમાં પ્રવાસીઓ ફલાઈટ દરમ્યાન પણ બ્રાઉઝિંગ કરી શકશે, સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી શકશે અને મિત્રો અને પરિવાજનોને ટેકસ્ટ-મેસેજ કરી શકશે અને સાથે તેઓ કામ પણ કરી શકશે.
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, હવામાં 10,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી પ્રવાસીઓ વાઈ-ફાઈ દ્વારા સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ ચલાવી શકશે, આઈફોન અને એન્ડ્રોઈડ ફોન વાપરી શકશે.
એર ઈન્ડિયાએ એની ન્યુયોર્ક લંડન, પેરિસ અને સિંગાપોર જેવી કેટલીક ઈન્ટરનેશનલ ફલાઈટોમાં એરબસ એ350, સિલેકટ એરબસ એ321 એનઈઓ અને બોઈંગ બી787-9 એરક્રાફટમાં પાઈલટ ધોરણે વાઈફાઈની સુવિધા શરૂ કરી છે.હાલમાં આ સુવિધા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે.ડોમેસ્ટિક સેકટરમાં પણ આ સુવિધા હાલમાં મફત આપવામાં આવી રહી છે.