New Delhi તા.19
ગત મહિને અમદાવાદમાં એરઈન્ડીયાની ફલાઈટને નડેલી દુર્ઘટનામાં વિમાનના પાયલોટે જ ફયુલ સ્વીચ બંધ કરી હતી તેવા અમેરિકી અખબાર વોલસ્ટ્રીટ જર્નલ તેમજ રોઈટર સમાચાર સંસ્થાએ આપેલા અહેવાલ પર હવે ભારતના ફેડરેશન ઓફ ઈન્ડીયન પાયલોટે આ બંનેને કાનુની નોટીસ પાઠવી છે.
પાંચ હજારથી વધુ ભારતીય પાયલોટનું પ્રતિનિધિત્વ કરી રહેલા આ સંગઠન દ્વારા કોઈપણ જાતના ચકાસાયેલા પુરાવા કે માહિતી વગર આ પ્રકારનો દોષ પાયલોટ પર ઢોળવા બદલ તેમની સામે શા માટે કાનુની કાર્યવાહી ન કરવી તે જોવા બંને મીડીયાને જણાવાયું છે.
અગાઉ જ ઈન્ડીયન પાયલોટ એસો.એ આ પ્રકારની આક્ષેપોને ફગાવ્યા હતા. આ બંને મીડીયાને પાઠવેલી કાનુની નોટીસમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ ધરાવતા મીડીયાએ પસંદગીનું રીપોર્ટીંગ કરીને બેજવાબદાર અહેવાલો આપ્યા છે.
તપાસ હજુ પુરી થઈ નથી ત્યાં જ તેના તારણો આપવાની જે ચેષ્ટા થઈ છે તે બદલ તેઓ સામે શા માટે કાનુની કાર્યવાહી ન કરવી તેનો જવાબ આપવા જણાવાયુ છે.