Ahmedabad,તા.29
એર ઈન્ડીયાના વિમાનને અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનામાં આ એરલાઈને અત્યાર સુધીમાં વિમાનમાં પ્રવાસ કરનાર અને દિવંગત થયેલા 241 મુસાફરોમાંથી 147ના પરિવારને રૂા.25-25 લાખનું વળતર આપી દેવાયું છે.
જયારે વિમાન જમીન પર દુર્ઘટનાગ્રસ્ત થતા જે 19 નાગરિકોના મૃત્યુ થયા હતા તેમના પરિવારને પણ આ રકમ પહોંચાડી દેવાય છે. જયારે 52 દિવંગતોના ડોકયુમેન્ટની ચકાસણી પૂરી થઈ ગઈ છે અને તેમના કુટુંબોને પણ આ વચગાળાના વળતરની રકમ ચૂકવવામાં આવી રહી છે.
એર ઈન્ડીયાએ ફરી એક વખત જાહેર કર્યુ છે કે, આ કરૂણ દુર્ઘટનાના ભોગ બનેલા મુસાફરોના કુટુંબીજનો સાથે એરલાઈન સતત ઉભી છે અને તેમની તાત્કાલીક નાણાકીય જરૂરીયાતો પૂરી કરવામાં આવી છે.
એર ઈન્ડીયાએ આ દુર્ઘટનાના પગલે એક ખાસ ટ્રસ્ટ ધ એઆઈ-171 વન મેમો. એન્ડ વેલફેર ટ્રસ્ટની રચના કરી છે અને તેમાં વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા દરેક વ્યકિતના પરિવારના લોકોને રૂા.1-1 કરોડ અપાશે ઉપરાંત જે રીતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ખાબકયું હતું જેના કારણે સમગ્ર ઈમારતને જે ક્ષતિ થઈ છે તે ઈમારત એરઈન્ડીયા દ્વારા પુન:નિર્માણ કરી અપાશે અને તમામ ઈન્ફ્રાસ્ટ્રકચર પણ તેમાં ઉપલબ્ધ બનાવાશે.