સગાં-સબંધીઓ સૌ મતલબનાં છે,દુનિયાના સૌ સગપણ જૂઠા છે,સાચા સાથીદાર અને જીવનનો આધાર પ્રભુ પરમાત્મા છે.જગતમાં સર્વને ખબર છે કે એકલા જવાનું છે,સંસારના સર્વ સંબંધો જુઠ્ઠા છે તો પણ સ્ત્રીને પુરુષ વગર કે પુરુષને સ્ત્રી વગર કે બંનેને બાળકો વગર ચેન પડતું નથી.આના ઉપર એક બહુ સરસ બોધકથા જોઈએ.
એક મહાત્મા કથા કરતા હતા.ગામના શ્રીમંત નગરશેઠનો પુત્ર રોજ કથા સાંભળવા આવે પણ સાંજના છ વાગે એટલે તરત કથામાંથી ઉઠીને ચાલ્યો જાય.મહાત્મા રોજ આ જોયા કરે.એક દિવસ તેને પૂછ્યું કે તમે કેમ કથામાંથી રોજ વહેલા ચાલ્યા જાઓ છો? શું તમને કથામાં રસ પડતો નથી? ત્યારે તે પુત્રે કહ્યું કે મહારાજ ! કથામાં તો રસ પડે છે પણ હું મારા માતા-પિતાનો એકનો એક પુત્ર છું.મારી પત્ની પણ મારા માટે પ્રાણ આપે તેવી છે.મને ઘેર પહોંચતા જરા પણ મોડું થાય તો બધાને ચિંતા થાય છે અને મને શોધવા નીકળે છે.તમારે તો આગળ પાછળ કોઈ છે નહી એટલે તમને સંસારીઓના પ્રેમની શું ખબર પડે? બાકી મારા ઉપર ઘરવાળાઓનો ખુબ જ પ્રેમ છે.
મહાત્મા એ કહ્યું કે આપણે તારા ઘરવાળાઓના પ્રેમની પરીક્ષા કરીએ,હું તને એક જડીબુટ્ટી આપું છું તે તું ખાજે,તે લેવાથી શરીરમાં ખૂબ ગરમી આવશે અને તાવ જેવું લાગશે,તે તું ઘેર લઈને લેજે.હું તારી દવા કરવાના બહાને આવીશ પણ તે પછી જે બને તે જોયા કરજે.નગરશેઠના પુત્રે ઘેર જઈ જડીબુટ્ટી લીધી,શરીરમાં ખૂબ ગરમી વધી ગઇ,ખૂબ તાવ આવ્યો.તેના માતા-પિતા અને તેની પત્ની ચિંતા કરવા લાગ્યા,મોટા ડોક્ટરોને બોલાવ્યા પણ તાવ ઉતરતો નથી.ડોક્ટરોએ કહ્યું કે ચોવીસ કલાક આવો તાવ રહે તો કેસ ભારે કહેવાય અને આ ભાઇનું મૃત્યુ થશે.સહુ ચિંતા કરે છે,પત્ની કલ્પાંત કરે છે.તેવામાં પેલા મહાત્મા આવે છે,બધા તેમણે પ્રાર્થના કરે છે ત્યારે મહાત્મા કહે છે કે બિમારી ભયંકર છે તમારા કોઈ શત્રુએ તેને મુઠ મારી છે,મારા ગુરૂની કૃપાથી હું મુઠ ઉતારી શકું છું પણ આ મુઠ ઉતર્યા પછી બીજા ઉપર તે મુઠ આવે છે.એક વાડકીમાં પાણી લાવો.
મહાત્માએ તે પાણી નગરશેઠના પુત્ર ઉપર બે-ચાર વાર ફેરવ્યું અને કહ્યું કે મંત્ર શક્તિથી આ તાવને હું આ પાણીમાં લાવ્યો છું.આ પાણી કોઈ પી જાય તો તમારા પુત્રનો રોગ જાય અને તે સારો થઇ જાય.બધા પૂછે છે કે આ પાણી પીનારનું શું થાય? મહાત્મા કહે છે કે જે તમારા પુત્રનું થવાનું હતું તે તેનું થશે.તેનું મૃત્યુ થશે અને તમારો પૂત્ર બચી જશે.પહેલાં પુત્રની માતાને પૂછવામાં આવ્યું ત્યારે માતા કહે છે કે મને પાણી પીવામાં વાંધો નથી,મારો લાડકવાયો બચતો હોય તો હું તૈયાર છું પણ હું પતિવ્રતા છું,મારા મર્યા પછી બિચારા આ ડોસાનું શું થાય? તેની ચાકરી કોણ કરશે? મારાથી પાણી નહિ પીવાય,પછી પિતાને કહેવામાં આવ્યું ત્યારે પિતા કહે છે કે હું મરૂં તેનું મને દુઃખ નથી પણ હું મરૂં તો બિચારી આ ડોશીનું શું થાય? મારા વગર એક દિવસ પણ છૂટી પડી નથી.તે મારા વગર જીવશે નહિ એટલે પાણી બીજા કોઈને પિવડાવો.પત્ની પતિને બિચારો કહે છે અને પતિ પત્નીને બિચારી કહે છે.કોણ બિચારૂં છે તે તો ઈશ્વર જાણે..
મહાત્મા જરા વિનોદી સ્વભાવના હતા તેથી તે કહે કે તમે બંને અડધું-અડધું પાણી પી જાવ,બંનેનો સાથે વરઘોડો(સ્મશાનયાત્રા) નીકળશે પણ મરવા કોણ તૈયાર થાય? પછી નગરશેઠની પૂત્રવધૂને પૂછવામાં આવ્યું ત્યારે તે કહે છે કે હજુ હું તો બાળક છું,દુનિયાના મોજ-શોખ હજુ માણ્યા નથી,આ ડોસીનું (મારી સાસુનું) તો બધું થઇ ગયું છે તેને પાણી પીવડાવો,હું પાણી પીવાની નથી.કોઈ પાણી પીવા તૈયાર નથી. છેવટે બધાએ કહ્યું કે મહારાજ તમે પાણી પી જાવ,તમારી આગળ-પાછળ કોઈ રડે તેવું નથી,તમારી પાછળ અમે ભંડારો કરશું,લાડવા ખાશું ! મહાત્મા તરત એ પાણી પી ગયા.પુત્ર પથારીમાં પડ્યો પડ્યો આ બધું નાટક જોતો હતો.તેણે હવે આ સંસારની અસારતા જાણી લીધી અને ઉભો થઇને મહાત્મા સાથે ચાલી નીકળ્યો.તેણે મહાત્માને કહ્યું કે તમે કહ્યું હતું તે સત્ય છે,આ જગતમાં કોઈ કોઈનું નથી,સ્વાર્થ માટે આ સંબંધ જોડવામાં આવે છે.જીવનો સાચો સંબંધ ઈશ્વર સાથે છે.
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ
જગમાં રહીને સૌની સાથે બધાં જ કામ વ્યવહાર કરો,
પરીવારને સગા-સબંધી સૌની સાથે પ્રેમ કરો.
પરંતુ એ ના ભુલો હ્રદયથી અસલ કયું ઠેકાણું છે,
ચાર દિવસ રહીને આ જગમાં પાછા કયાં જવાનું છે.
સર્વ દિશામાં વાસ છે જેનો પલપલ એનું ધ્યાન ધરો,
કહે અવતાર સૂનો ગુરૂસેવક સંતોનું સન્માન કરો.
જે દુઃખના સમયે સ્નેહ આપે તે જ ખરો સ્નેહી (સગો) છે.સુખ સંપત્તિ જોઇને તો ઘણાય સ્નેહાગાર (સગા) બની જાય છે.સગાં-સબંધીઓ તમામ સ્વાર્થના સગા છે,દુનિયાના તમામ સગપણ જૂઠા છે,ધન-વૈભવએ ઢળતી છાયા જેવા છે,આપણો સાચો સાથીદાર,ભવસાગરની નૌકાનો સાચો સુકાની પ્રભુ પરમાત્મા છે.મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો-મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે. નિઃસ્વાર્થભાવથી સંસારમાં રહીને ભલે પોતાનો કારોબાર કરો.પોતાના ૫રીવાર તથા સબંધીઓની સાથે તેમને ઇશ્વરનું સ્વરૂ૫ સમજી અનાસક્ત થઇને પ્રેમ કરો પરંતુ ઇશ્વરને ક્યારેય ના ભૂલવા જોઇએ કારણ કે આ માયાવી સંસારમાં તો થોડા સમય માટે જ રહેવાનું છે.છેલ્લે તો એક પ્રભુ ૫રમાત્મામાં જ સમાવવાનું છે.દરેક સમયે અંગસંગ રહેવાવાળા ૫રમાત્માનું ધ્યાન કરતા રહો.સંતોનું સન્માન હંમેશાં કરો કારણ કે સંતનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે.મનુષ્યએ પોતાની સામાજીક જવાબદારીઓને નિભાવતાં નિભાવતાં સર્વવ્યાપી પ્રભુનું હંમેશાં શ્વાસે શ્વાસે સુમિરણ કરવું જોઇએ.સામાજીક જવાબદારીઓથી ભાગનારનું આધ્યાત્મિક માર્ગમાં કોઇ સ્થાન નથી.
આપણું શરીર જેને આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ,આપણી ધન-સંપતિ,બંગલા મોટરગાડી,પદ-પ્રતિષ્ઠા અને પૈસો કે જેને ઘરની બહાર આપણે બીજાને દેખાડવામાં પ્રદર્શન કરવામાં ગૌરવ અનુભવીએ છીએ તે સંપતિ મૃત્યુ પછી બીજાની થઇ જાય છે,આપણો ઘરપરિવાર અને સગાવહાલાં પણ અંતે સાથે આવતાં નથી.
આપણે બધા આ દુનિયામાં એટલા માટે આવ્યા છીએ કે અમારે કોઇકની પાસેથી કંઇક લેવાનું હોય છે તો કોઇકને આપવાનું હોય છે.આપણે બધા હિસાબ ચુક્તે કરવા માટે જ અહી ભેગા થયા છીએ.પૂર્વ જન્મનો હિસાબ ચુકવવા કોઇ પૂત્ર બનીને આવે છે તો કોઇ પૂત્રી બનીને આવે છે.કોઇ પિતા બનીને આવે છે તો કોઇ માતા બનીને આવે છે.કોઇ પતિ બનીને આવે છે તો કોઇ પત્ની બનીને આવે છે.કોઇ પ્રેમી બનીને આવે છે તો કોઇ પ્રેમિકા બનીને આવે છે.કોઇ મિત્ર બનીને આવે છે તો કોઇ શત્રુ બનીને આવે છે.કોઇ પડોશી બનીને આવે છે તો કોઇ સગાસબંધી બનીને આવે છે.કોઇ સુખ આપવા આવે છે તો કોઇ દુઃખ આપવા આવે છે.કોઇ આપણું નામ રોશન કરવા સગાવ્હાલા બનીને આવે છે તો કોઇ આપણા જીવનમાં આપણને બદનામી આપવા આવે છે.સુખ હોય કે દુઃખ હિસાબ તો આપણે બધાએ આપવો જ પડે છે.આ પ્રકૃતિનો સનાતન નિયમ છે.
ધન દૌલત સૌ અંત સમયમાં સાથે તારા નહી આવે,
જે જગથી છે પ્રિત તને ઘણી તે ૫ણ સાથે નહી આવે,
પૂત્ર-પત્ની કુટુંબ ૫રીવાર જેટલા તારા સબંધીઓ છે,
જૂઠી છે સૌ પ્રિત જગતની મતલબના સૌ સંગી છે,
જે મૂરખ આ પરમપિતાને એક ૫લ ૫ણ વિસારે છે,
કહે અવતાર એ માનવ જગમાં અંતકાળ પસ્તાયે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

