જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી પછી, જુદા જુદા રાજયોમાંથી આવેલા પ્રવાસીઓ બપોરના સમયે બૈસરન ખીણમાં ઘોડેસવારીમાં, ખાણીપીણીમાં વ્યસ્ત અને મસ્ત હતા, ત્યારે જ આતંકીઓ પોલીસ/સૈનિકના વેશમાં ત્રાટક્યા અને ધર્મ પૂછીને, વીણી વીણીને માણસોને નિર્દયતાથી લાશોમાં ફેરવતા ગયા. પહેલગામની મિનિ સ્વિત્ઝરલેન્ડ ગણાતી બૈસરનની લીલીછમ ખીણને ચાર પાંચ આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓનાં ઢીમ ઢાળીને લોહિયાળ કરી મૂકી છે. સરકારે કાર્યવાહી કરવા માંડી છે, તો પ્રજાએ પણ ટુરિઝમ પર બ્રેક મારવા માંડી છે. મોટા ભાગના ટ્રાવેલ, હોટેલ અને ફ્લાઇટ બુકિંગ રદ થઈ ગયાં છે. ફ્લાઇટ્સના એડવાન્સ બુકિંગમાં પણ મોટો ઘટાડો જોવાયો છે. પહેલગામી આતંકવાદી હુમલાને કારણે ટુરિઝમને ૧૨૦૦૦ કરોડનો ફટકો પડવાની ધારણા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા સંદર્ભે મોદી સરકારે કેટલાંક અસરકારક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમ કે, અટારી બોર્ડર બંધ કરી છે. સિંધુ જળ કરાર અટકાવ્યો છે. સિંધુ જળ સંધિ અંતર્ગત પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરાયું છે. પાકિસ્તાની દૂતાવાસ બંધ કરવામાં આવ્યો છે. પાક નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે ને ૪૮ કલાકમાં ભારત છોડવાનું અલ્ટિમેટમ અપાયું છે. એ સાથે જ પાકિસ્તાની નાગરિકોને ભારત આવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
કેટલાક પ્રવાસીઓની જેમ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ પણ જીવ ગુમાવ્યા છે. તેમાં સુરતના શૈલેષ કળથીયાના પત્ની શીતલ કળથીયા પહેલગામની બૈસરન ખીણની વ્યવસ્થા વિષે કહે છે, હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડી પાડીને કહેતી હતી કે ઉપર કેટલાક લોકો ઇજાગ્રસ્ત છે, તમે લોકો જલદી જાઓ અને કૈંક કરો. અમે ઉપરથી પડતાં આખડતાં નીચે ઊતર્યાં. આતંકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે, હિન્દુ-મુસ્લિમોને અલગ કરીને હિન્દુ બધા ભાઈઓને ગોળી મારે છે, ે જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન, પોલીસમેન કે કોઈ મેડિકલ કિટ નહીં. કૈં જ સુવિધા નહીં.’ આતંકીઓએ પર્યટકો પર નિર્મમતાથી ગોળીઓ જ નથી વરસાવી, ત્યાંના કાશ્મીરીઓની રોજી-રોટી પણ આંચકી લીધી છે. આ ઘટનાએ દેશની સુરક્ષા વ્યવસ્થામાં રહેલાં છીંડાં પણ બતાવી દીધાં છે.
છાશવારે આતંકીઓ ઠાર થતાં હોય કે જવાનો યુદ્ધ વગર શહીદ થતા હોય તે કાશ્મીરનાં પ્રવાસી સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ચુકાય એ અક્ષમ્ય છે. બૈસરનમાં આતંકીઓ એમ જ ઊતરી આવ્યા નથી, એ સાવ નિર્ભય થઈને ભરબપોરે આવ્યા છે. સરકાર ઉપર ભરોસો રાખી રોજના ચાર પાંચ હજાર પ્રવાસીઓ પહેલગામની બૈસરન ઘાટીની મુલાકાતે આવતાં હોય ત્યાં જવાનોની એક પણ ટુકડી ન હોય એ યોગ્ય ન કહેવાય. પહેલગામના આતંકી હુમલાની જવાબદારી ’ધ રેજિમેન્ટ્સ ળન્ટ (ટીઆરએફ)’ લઈ ચૂક્યું છે. એ હુમલાનો માસ્ટર માઇન્ડ સૈફુલ્લાહ લશ્કર-એ-તૈયબાનો ઉપપ્રમુખ છે. તે પીઓકે તરફથી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેણે છડેચોક જાહેર કર્યું છે કે આવનાર સમયમાં મુજાહિદ્દીન હુમલાઓમાં વધારો થશે.
આ પછી આતંકીઓ પૂરેપૂરા સફાયાને લાયક છે. ખરી જરૃર તો પાકિસ્તાનને પાઠ ભણાવવાની છે, જેણે આતંકવાદીઓને પોષ્યા છે ને વિશ્વભરમાં આતંકવાદનો ફેલાવો કર્યો છે. સ્વતંત્રતા પહેલાં એનું અલગ અસ્તિત્વ ન હતું, એમ જ આ ધરતી પર એનું અસ્તિત્વ ક્યાંય ન રહે એવી કાર્યવાહી કરવાની જરૃર છે.