Tehranતા.09
ઈરાન પર અમેરિકાના અને ઈઝરાયેલના આક્રમણના 10માં દિવસે પણ તબાહી વધુ ભીષણ બની રહી છે. ઈઝરાયેલ-અમેરિકાએ સતત રીતે ઈરાનના લશ્કરી તથા મહત્વના જાહેર મથકોને નિશાન બનાવવાનું યથાવત રાખ્યુ છે.
આ સંયુક્ત હુમલાએ ઈરાનમાં 1700થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જયારે અમેરિકાએ તેનો સાતમો સૈનિક પણ ગુમાવ્યા છે. ઈરાને વળતા હુમલામાં કુવૈત, ઓમાન તથા સંયુક્ત આરબ અમિરત પર મિસાઈલ હુમલા ચાલુ જ રાખ્યા છે.
દુબઈમાં પણ ડ્રોન હુમલા ચાલુ છે. રવિવારે અમેરિકાએ તથા ઈઝરાયેલએ હવે ઈરાનના તેલમથકોને નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે તો ઈરાને યુએઈમાં 16 બેલેસ્ટીક મિસાઈલ તથા 117 ડ્રોનથી ભીષણ હુમલા કર્યા છે તથા જોર્ડનમાં આવેલા એક મહત્વના અમેરિકી એરબેઝને પણ નિશાન બનાવ્યુ છે. ઈરાને જાહેર કર્યુ છે કે તે છ માસ સુધી યુદ્ધ કરવા તૈયાર છે.
ઈરાને લેબનોનમાં તેના રાજદૂત કર્મચારી સહિત 117 નાગરિકોને રશિયન વિમાન મારફત એરલીફટ કર્યા છે. ઈરાને કતરમાં ડ્રોન હુમલાથી કાર્પેટ બોમ્બીંગ કર્યુ છે. જેના કારણે દોહા વિ.માં જબરા વિસ્ફોટ સંભળાયા હતા તો ઈઝરાયેલે હવે ઈરાન પર મીસાઈલો હુમલાની આક્રમક નીતિ અપનાવી છે.
સાઉદી અરેબીયામાં પણ અમેરિકી મથકોને નિશાન બનાવવાનું ઈરાને યથાવત રાખ્યુ છે. જેમાં એક વધુ અમેરિકી સૈનિકનું મોત થયુ છે. અમેરિકાએ બી-52 બોમ્બથી ઈરાનમાં ભીષણ બોમ્બ વર્ષા કરી હતી. અમેરિકાએ સાઉદી અરેબીયામાં તેના દૂતાવાસના તમામ કર્મચારીઓને દેશ છોડી જવા જણાવ્યુ છે.
બહેરીનમાં પણ ઈરાનના હુમલામાં 32 નાગરિકોને ઈજા થઈ હતી. લેબનોન પણ ઈઝરાયેલ તથા હીઝબુલ્લા વચ્ચે ભીષણ જંગ ચાલુ છે. ઈરાન પણ ઈઝરાયેલ પર બેલેસ્ટીક મિસાઈલ દાગી રહ્યું છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે ઈરાન પરના હુમલા કયારે અટકાવવા અને યુદ્ધ કયારે પુરુ કરવુ તે ઈઝરાયેલના વડાપ્રધાન સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે.

