Washington,તા.7
અમેરિકન પ્રતિનિધિ સભાના પ્રથમ મહિલા સ્પીકર અને દેશના રાજકારણમાં સૌથી પ્રભાવશાળી મહિલાઓમાંથી એક, નેન્સી પેલોસીએ જાહેરાત કરી છે કે હું 2026ની ચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નહીં કરૂં.
તેમણે સ્પષ્ટ કર્યું કે હું મારો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરીશ અને ત્યારબાદ કોંગ્રેસમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લઈ લઈશ. પેલોસીએ લગભગ 40 વર્ષ સુધી કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો વિસ્તારનું પ્રતિનિધિત કર્યું છે.
નેન્સી પેલોસીએ અમેરિકન કોંગ્રેસમાં મહિલાઓ માટે નવા માર્ગો ખોલ્યા. તેમણે પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન `અફોર્ડેબલ કેર એક્ટ’ અને `ડોડ-ફ્રેન્ક નાણાકીય સુધારા’ જેવા મોટા કાયદાઓ પસાર કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પેલોસીએ 2007-2011 અને 2019-2023 દરમિયાન બે વખત સ્પીકર તરીકે સેવા આપી હતી. તેમણે ડેમોક્રેટિક પાર્ટીને એકજૂથ રાખવામાં અને મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નેન્સી પેલોસી વચ્ચે લાંબા સમયથી રાજકીય સંઘર્ષ રહ્યો છે. પેલોસીએ તેમના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ વિરુદ્ધ બે વખત મહાભિયોગ પ્રક્રિયા ચલાવી હતી – પ્રથમ યુક્રેન મામલે અને બીજી 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલા બાદ. પેલોસીની સંન્યાસની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા, ડોનાલ્ડ ટ્રમ્પે તેમને “એક દુષ્ટ મહિલા” ગણાવી અને કહ્યું કે તેઓ તેમના નિવૃત્ત થવાથી ખુશ છે.
પોતાના સંન્યાસની જાહેરાત સાથે, પેલોસીએ લોકોને લોકશાહીમાં સક્રિય ભાગીદારી જાળવી રાખવા અને લોકતાંત્રિક મૂલ્યો માટે નિષ્ઠાપૂર્વક લડવાની અપીલ કરી. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, “મારા શહેર સાન ફ્રાન્સિસ્કોને મારો સંદેશ છે – તમારી શક્તિને ઓળખો. આપણે ઇતિહાસ રચ્યો છે, પ્રગતિ કરી છે અને હંમેશા આગળ વધ્યા છીએ.”

