Gandhinagar,તા.05
મધ્યપ્રદેશના ઈન્દોરમાં દુષીત પાણી પીવાના કારણે સર્જાયેલી માનવીય કટોકટી બાદ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ પાણીજન્ય ટાઈફોડના કેસો બનતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે રાજય સરકારને યુદ્ધના ધોરણે પગલા લેવા તાકીદ કરી હતી.
ગાંધીનગરમાં દુષીત પાણીના કારણે 104 બાળકો ઉપરાંત 150 લોકો બિમાર પડયા છે. જેઓને અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને ખાસ વોર્ડ ખોલી સારવાર અપાઈ રહી છે તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ હોસ્પીટલની મુલાકાત લઈને દર્દીઓને ખબર અંતર પુછવાની સાથે તમામ સારવાર તાકીદે ઉપલબ્ધ બને તે સૂચના આપી હતી.
શહેરના સેક્ટર-24, સેક્ટર-28 અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના કારણે દૂષિત પાણી પીવાથી બાળકો સહિત નાગરિકોમાં ટાઇફોઇડના કેસ નોંધાતા ચિંતા જનક પરિસ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર મુદ્દે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવા કડક આદેશો આપ્યા છે.
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી મુજબ, અમિત શાહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેકટર તથા મ્યુનિસિપલ કમિશ્નર સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે. તેમણે બેઠક અને ચર્ચાઓ દ્વારા વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી તંત્રને ઝડપી અને અસરકારક પગલાં લેવા સૂચના આપી છે.
અમિત શાહે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને ટાઇફોઇડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાંત તબીબો દ્વારા તાત્કાલિક અને સચોટ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે. ઉપરાંત, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ તથા તેમના સગાઓ માટે ભોજનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
આ સાથે જ, પાણીની પાઇપલાઇનમાં થયેલા લીકેજનું તાત્કાલિક સમારકામ કરવા તથા આવી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો અન્ય વિસ્તારોમાં ન થાય તે હેતુસર આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન તપાસ કરવા તંત્રને આદેશ આપવામાં આવ્યા છે.
ટાઇફોઇડ પર તાત્કાલિક નિયંત્રણ માટે મુખ્ય નિર્દેશો
અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી
બાળકો અને નાગરિકોને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી સારવાર
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ માટે ભોજન વ્યવસ્થા
પાણીની પાઇપલાઇન લીકેજનું તાત્કાલિક સમારકામ
આસપાસના વિસ્તારોમાં પાઇપલાઇનની સઘન ચકાસણી

