Ambala, તા. 26
હરિયાણાની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન દીપક હુડ્ડાના લગ્ન તૂટવાના આરે છે. સ્વીટી બૂરા દહેજ ઉત્પીડનનો ભોગ બની છે. બૂરાનો આરોપ છે કે, હુડ્ડાએ ફોર્ચ્યુનર અને 1 કરોડ રૂપિયાની માગ કરી છે.
બીજી તરફ હુડ્ડાએ સ્વીટી અને તેના પરિવાર પર પોતાની મિલકત હડપવાનો અને તેને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. બંનેએ રોહતક અને હિસાર પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બૂરાએ કોર્ટમાં ખર્ચ અને ડિવોર્સનો કેસ પણ દાખલ કરી દીધો છે. તાજેતરમાં જ બૂરાને અર્જૂન એવોર્ડ અપાયો હતો. વર્ષ 2020માં હુડ્ડાને પણ અર્જૂન એવોર્ડ મળ્યો હતો.
હિસારના એસપી શશાંક કુમાર સાવને જણાવ્યું કે, હુડ્ડાને નોટિસ આપીને તપાસમાં જોડાવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ન આવ્યા. હિસાર પોલીસને આપેલી ફરિયાદમાં બૂરાએ જણાવ્યું કે, મારા લગ્ન 7 જુલાઈ, 2022ના રોજ હુડ્ડા સાથે થયા હતા. માતા-પિતાએ લગ્નમાં 1 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો.