New Delhi,તા.28
રક્ષામંત્રી રાજનાથસિંહે મધ્યપ્રદેશના મહૂમાં ‘રણ-સંવાદ 2025 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમનું શીર્ષક ‘રણ-સંવાદ’ મને ખૂબ જ રસપ્રદ લાગ્યું હતું. આ નામ જ ચિંતન-મનનનો વિષય છે. એક બાજુ ‘રણ’ યુદ્ધ અને સંઘર્ષની કલ્પના જગાવે છે તો બીજી બાજુ ‘સંવાદ’, ચર્ચા, સંવાદ, સુલેહ તરફ ઈશારો કરે છે. પહેલી નજરે તો આ બન્ને શબ્દો વિરોધાભાસી લાગે પણ ઉંડાણમાં જોઈએ તો આ નામ આપણા સમયની સૌથી પ્રાસંગીક સચ્ચાઈમાંથી એકને પોતાનામાં સમેટે છે.
રાજનાથે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં સંવાદ યુદ્ધથી અલગ નથી તે યુદ્ધ પહેલા થાય છે અને યુદ્ધ પછી પણ ચાલુ રહે છે. ઉદાહરણ માટે મહાભારતને જ લઈ લો. યુદ્ધ રોકવા માટે ભગવાન કૃષ્ણ શાંતિદૂતના રૂપમાં ગયા હતા, જેથી યુદ્ધ ટાળી શકાય. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે યુદ્ધ માત્ર હથિયારથી નથી લડાતુ, તે ટેકનોલોજી, જાસૂસી, અર્થવ્યવસ્થા અને કૂટનીતિની સંયુક્ત રમત રહેશે.
માત્ર સૈનિકોની સંખ્યા અને હથિયારોનો ભંડાર હવે પર્યાપ્ત નથી, સાઈબર યુદ્ધ, એઆઈ, માનવ વગરનું વિમાન, ઉપગ્રહ આધારિત વોર ભવિષ્યના યુદ્ધને આકાર આપી શકે છે. રાજનાથે વધુમાં જણાવ્યું હતું કે ભારત કયારેય પણ યુદ્ધ ઈચ્છનાર રાષ્ટ્ર નથી રહ્યું પણ કોઈ અમને પડકાર આપે તો પુરી તાકાતથી તેનો જવાબ દેવાશે.