દેશ માટે બલિદાન આપનાર સૈનિકોના પરિવારજનો માટે ખુલ્લા હાથે દાન આપવા કલેકટરની અપીલ
Rajkot તા. ૭
૭મી ડિસેમ્બર ’સશસ્ત્ર સેના ધ્વજ દિન’ સૈનિકોના બલિદાનને યાદ કરી તેઓના પરિવારજનોનો સહારો બનવા અનુદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કલેકટર શ્રી પ્રભવ જોશીએ અનુદાન આપી આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ભારતીય સેનાના જવાનોને યાદ કરી શહીદો અને માજી સૈનિકોના પરિવારજનોને મદદરૂપ બનવા બહોળી સંખ્યામાં દાન કરી તેઓના કલ્યાણ માટે દરેક ભારતીય નૈતિક ફરજ નિભાવવી જોઇએ. કલેકટર શ્રીને એન.સી.સી. ના કેડેટ્સ દ્વારા ઘ્વજ લગાવી વિધિવત રીતે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નિવાસી અધિક કલેકટરશ્રી એ.કે.ગૌતમ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતાં.આ તકે સૈનિક કલ્યાણ અને પુનર્વસન વિભાગના કમાન્ડર પવનકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની ભારતીય નાગરિકો તેમની જવાબદારી સમજે તે પણ આ દિવસની ઉજવણીનો હેતુ છે. ઉપરાંત યુદ્ધ દરમિયાન થયેલી જાનહાનિ સામે સૈનિકોના પરિવારોનું પુનર્વસન, સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ એ હેતુ પણ આ દિવસની ઉજવણીનો છે. કેડેટ્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો, સામાજિક સંસ્થાઓ, શાળા, કોલેજો વગેરે ખાતેથી ભંડોળ એકઠું કરવાની કામગીરી કરવામાં આવે છે. દાતાઓને આ દિવસે દેશમાં ત્રણેય સશસ્ત્ર સેનાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘેરા વાદળી અને આછા વાદળી રંગોના નાના ધ્વજનું વિતરણ કરવામાં આવે છે.દરેક નાગરિક સશસ્ત્ર સેના ધ્વજ દિને ઉમદા હાથે અનુદાન આપીને સૈન્યના જવાનોના કલ્યાણ માટે પોતાની નૈતિક ફરજ અદા કરે તેમ તેઓએ અપીલ કરતા જણાવ્યું છે.