Washington,તા.૨૨
ખાલિસ્તાની સમર્થક હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ધરપકડ પર યુએસ ગુપ્તચર એજન્સી એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે.એફબીઆઇના ડિરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ’ધરપકડ કરાયેલ હરપ્રીત સિંહ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા કથિત વિદેશી આતંકવાદી ગેંગનો ભાગ છે, જે ભારત અને અમેરિકા બંનેમાં પોલીસ સ્ટેશનો પર અનેક હુમલાઓનું આયોજન કરવામાં સામેલ હોવાનું અમારું માનવું છે.’
આ સાથે, કાશ પટેલે કહ્યું, ’એફબીઆઈ સેક્રામેન્ટોએ સ્થાનિક અને ભારતમાં તેના ભાગીદારો સાથે સંકલનમાં તપાસ હાથ ધરી છે. બધાએ ખૂબ સારું કામ કર્યું છે અને ન્યાય થશે.એફબીઆઇ હિંસાના ગુનેગારોને શોધવાનું ચાલુ રાખશે, ભલે તેઓ ગમે ત્યાં છુપાયેલા હોય.
તમને જણાવી દઈએ કે શુક્રવારે એફબીઆઇ અને એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સએ પંજાબમાં થયેલા હુમલાઓમાં સંડોવાયેલા આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ધરપકડ કરી હતી. એફબીઆઈએ જણાવ્યું હતું કે હરપ્રીત સિંહ બે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથો સાથે સંકળાયેલો હતો અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો. એફબીઆઈના જણાવ્યા અનુસાર, તેણે ધરપકડથી બચવા માટે બર્નર ફોનનો ઉપયોગ કર્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે,આઇએસઆઇ સમર્થિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના યુએસ સ્થિત મુખ્ય ઓપરેટિવ અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી રિંડાના નજીકના સહયોગી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ધરપકડ, આઇએસઆઇ સમર્થિત આતંકવાદી નેટવર્ક પર સતત કાર્યવાહીમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.’ ૨૦૨૩ અને ૨૦૨૫ ની વચ્ચે, હેપ્પી પાસિયાએ પંજાબ અને અન્ય રાજ્યોમાં ટાર્ગેટ કિલિંગ, પોલીસ મથકો પર ગ્રેનેડ હુમલા અને ખંડણીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૭ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ સેક્રામેન્ટોમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.