New Delhi,તા.28
આસામમાં ફેક પોલીસ એન્કાઉન્ટરના દાવાઓની તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટે આસામ માનવ અધિકાર પંચને નિર્દેશ આપ્યો છે. એક જાહેર હિતની અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે, આસામ સરકારે વર્ષ 2014માં PUCL કેસમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું. આ બાબતને ગંભીર ગણીને, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે આસામ માનવ અધિકાર આયોગને પીડિત પરિવારોનો સંપર્ક કરવા માટે જાહેર નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો.
આ મામલે કોર્ટે વધુમાં કહ્યું કે, ‘આમાંની કેટલીક ઘટનાઓ ફેક એન્કાઉન્ટર હોઈ શકે છે તેવા આરોપો અત્યંત ગંભીર છે અને જો તે સાબિત થાય છે, તો તેને બંધારણની કલમ 21 હેઠળ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન માનવામાં આવશે. જોકે, એ પણ એટલું જ શક્ય છે કે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ પછી, કેટલાક કેસ કાયદેસર રીતે ન્યાયી અને જરૂરી હોઈ શકે છે.’
આ સાથે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ દરેક કેસની સ્વતંત્ર રીતે તપાસ થવી જોઈએ. તેમજ જો કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યા થઇ હોય તો તેનું જવાબદાર કોણ તે બાબત પણ સુનિશ્ચિત થવી જોઈએ. આ માટે આસામ માનવ અધિકાર પંચને કેસની નિષ્પક્ષ તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આસામ પોલીસ પર વર્ષ 2021 થી 2022 વચ્ચે કુલ 171 ફેક એન્કાઉન્ટર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મે 2021 થી રિટ પિટિશન દાખલ થયા પછી 80 થી વધુ ફેક એન્કાઉન્ટર થયા હોવાનો આરોપ છે, જેના પરિણામે 28 લોકો મૃત્યુ પામ્યા હતા. આસામ સરકાર દ્વારા એક સોગંદનામામાં મે 2021 થી ઓગસ્ટ 2022 સુધીમાં 171 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં 56 લોકોના મોત અને 145 ઘાયલ થયા હતા.
આ મામલે આસામ સરકારનું કહેવું છે કે, વર્ષ 2014 ની માર્ગદર્શિકા મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. આસામ સરકારે આ આરોપોને સુરક્ષા દળોની શાંતિ ભંગ કરવાનું કાવતરું ગણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય માનવાધિકાર આયોગને આદેશ આપ્યો કે તેઓ અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓમાં અખબારોમાં જાહેર નોટિસ આપે, જેથી અસરગ્રસ્ત પરિવારોનો અવાજ સાંભળી શકાય. તેમજ રાજ્ય સરકારને કોઈપણ વહીવટી અવરોધો દૂર કરવા તેમજ સંપૂર્ણ ફોરેન્સિક સહાય અને જરૂરી સંસાધનો પૂરા પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
અરજદારે 117 એન્કાઉન્ટરની યાદી રજૂ કરી હતી, પરંતુ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સંપૂર્ણ તપાસ વિના આ મામલાને ખોટા ગણી શકાય નહીં. સાચા કેસને ઓળખવા મહત્ત્વપૂર્ણ છે. પીઆઈએલ પ્રક્રિયાગત સુરક્ષાનું સ્થાન લઈ શકે નહિ. ન્યાય માટે વ્યક્તિગત અભિગમની જરૂર છે.’